બે વર્ષના કોરોનાકાળ બાદ ખીલેલી નોરતાની મોસમમાં મૂળ ભરૂચવાસીઓએ આ વર્ષે વિચાર્યું પણ ન હતું કે શહેરની પશ્ચિમ પટ્ટી પર પણ ભવ્ય ગરબાનું આયોજન થઈ શકે.!! પાંચબત્તીથી ચકલા તરફ, શક્તિનાથ તરફ કે કસક તરફ જ મોટાપાયે ગરબા આયોજિત થતા હતા. આ વર્ષે, મહમદપુરા તરફ જઈએ તો પણ ભવ્ય ગરબા રમવાને માણવા મળશે, તેવું થયું છે. આ સાકાર કર્યું છે ભરૂચના જિલ્લા પોલીસવડા મેડમ ડૉ.લીનાબેન પાટિલે. માત્ર પોલીસ પરિવાર જ શું કામ, આખા નગરની જનતાને જાહેર આમંત્રણ આપીને એસ.પી મેડમે બે વાત સ્પષ્ટ કરી દીધી કે આયોજન, સંગઠન, વ્યવસ્થા અને જોગવાઈ એ પોલીસ માટે ડાબા હાથનો ખેલ છે. બીજું કે પોલીસ પ્રજાનો મિત્ર જ નહીં પણ પ્રજાનો જ ભાગ છે. એમની અને એમના પરિવારની પણ આસ્થા, વિશ્વાસ અને આરાધનાનો અધિકાર જળવાવો જોઈએ. સામુહિક રીતે માઁ આદ્યશક્તિની આરાધના કરવાની હવે શહેરમાં સીમિત જગ્યાઓ રહી હોય ત્યારે પોલીસ ગ્રાઉન્ડથી ઉત્તમ, વિશાળ, સુરક્ષિત અને સગવડવાળુ બીજું ક્યુ સ્થળ હોય શકે??.. પ્રજા સાથ આપે તો શું ના થાય??..
પાર્ટી પ્લોટમાં યોજાતા પ્રોફેશનલ ગરબાની જેમ જ પોલીસ ગ્રાઉન્ડ પર સફળ આયોજન બદલ ભરૂચની પ્રજાએ મેડમનો મનોમન આભાર માન્યો છે. આમપણ આ શક્તિની આરાધનાનો તહેવાર છે અને ભરૂચ જિલ્લાની સુરક્ષાનું નેતૃત્વ મહિલા એસ.પી પાસે છે ત્યારે અહીં એક પ્રાચીન ગરબાની બે પંક્તિઓ યાદ આવે છે.
” પીળી મંટોડી લાવ્યાને કાંઈ બાંધ્યો ભરૂચનો કોટ રે માં…..”
આખો ગરબો ધ્યાનથી સાંભળીએ તો ખ્યાલ આવે છે કે એમાં કહેવાયું છે કે માં, તારું સત બતાવને વાઘને પાછો વાળ….ને જો માઁ, તું આવું કરે તો તને નારિયેળ કે છત્તર ચઢાવીશ. (આવું કાંઈ ના કરે તો આપેલી પાવલી પણ પાછી લઈ લેતા અમે ખચકાતા નથી..!!. ( આતો એક વાત છે ).)
વર્ષો પૂર્વેની આ માતાજીને પ્રાર્થના છે, આજીજી છે. વાઘ કે સિંહને કાબુમાં કરવાની, પાછો વાળવાની સાહજિક સ્ત્રીશક્તિની મહિમાનાં એમાં દર્શન થાય છે. એસ.પી મેડમ પણ શત બતાવે જ છે. ડ્રગ્સ અને નશાખોરી જેવા ક્રાઇમરૂપી જંગલી પશુઓ પર કાબુ મેળવવાના આપના પ્રયત્નો સરાહનીય છે.
સસ્ત્ર ધારણ કરેલી દરેક સ્ત્રી ભવાનીનું જ સ્વરૂપ હોય છે. નાની બાળાઓ, યુવતીઓ અને સ્ત્રીઓ સહિત આમ નાગરિકો માટે આપ મેડમ પ્રેરણાદાયી છો, એ ભૂલશો નહીં. શક્તિની માત્ર આરાધના જ નહીં તેનો લોકકલ્યાણ અર્થે ઉપયોગ પણ કરતા રહો એવી પ્રજાની આશા અસ્થાને નથી જ. આદ્યશક્તિની આરાધનાનાં નવરાત્રી પર્વના સુંદર આયોજન બદલ ભરૂચ શહેર જિલ્લાની પ્રજા વતી આપ મેડમને ખુબ અભિનંદન.