ગુજરાતની મહિલાઓની તાકાતથી સારી રીતે પરિચિત ગુજરાત સરકાર પોતાના મળતિયા સંગઠનોને ચર્ચા માટે બોલાવી નજીવો વેતન વધારો કરી સંગઠનો મારફતે આંદોલન પુરુ કરવાની જાહેરાત કરાવી વાહવાહી લુંટી રહી છે સરકારની આવી મહિલા વિરોધી નિતીનો મહિલા અધિકાર મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આજે દાહોદ જિલ્લાના આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોએ લોલીપોપ વિતરણ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને આંગણવાડી વર્કર, તેડાગર, મીની આંગણવાડી વર્કર તેમજ આશાવર્કરોને લઘુત્તમ વેતન આપવા, અનુભવી આંગણવાડી વર્કરોને મુખ્ય સેવિકા તરીકે બઢતી આપવા, મીની આંગણવાડી વર્કરને સમાન કામ સમાન વેતનના મુજબ આંગણવાડી સમકક્ષ પગાર ચુકવવા તેમજ દર વર્ષે 15 ટકા પગાર વધારો આપવાની માગણી સાથે આજે દાહોદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડો મિતાલીબેન સમોવાએ જણાવ્યું હતુ કે ધારાસભ્યોએ ચુટણી જીતતા જ પોતાના પગારમાં 65 ટકાનો તોતીંગ વધારો કરી દીધો જ્યારે આંગણવાડી વર્કરને પાંચ વર્ષ બાદ માત્ર 28 ટકા પગાર વધારો આપી ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે અને આંગણવાડી વર્કરના સરકારના મળતિયા સંગઠનો જે લઘુત્તમ વેતનની માંગ કરી આંદોલનોની જાહેરાત કરતા હતા એ અત્યારે પોતાના ઘર ભરી સરકારની વાહવાહી કરી ગુજરાતની હજારો આંગણવાડી અને તેડાગર બહેનોનું અહિત કરી રહ્યા છે ત્યારે મહિલાઓએ દર વર્ષે લવાજમ ઉઘરાવી ચુટણી સમયે સરકાર સાથે સાંઠગાંઠ કરતા સંગઠનોથી ચેતીને પોતાના હક ન મળે ત્યાં સુધી લડી લેવા મિતાલી સમોવાએ આહ્વાન કર્યું હતું.
દાહોદ રાજુ સોલંકી