ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક સરકારી કર્મચારીઓના આંદોલન વધુ થઇ રહ્યા છે. આજે વડોદરાના કરજણ MGVCLના ટેક્નિકલ કમર્ચારીઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ કર્મચારીઓની પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો હતો. ગુજરાતમાં આ પહેલા પણ કર્મચારીઓ દ્વારા આંદોલન, દેખાવ તેમજ ધારણા થઇ ગયા છે. આ લિસ્ટમાં હવે MGVCL ના કર્મચારીઓ પણ આવી ગયા છે.
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાની માંગને લઈને સરકાર સમક્ષ અનેક રજૂઆત છતાં પણ ઉકેલ ના આવતા વિરોધ નોંધાવી રહ્યા છે. MGVCL ના સબ ડિવિઝનના ટેક્નિકલ વિભાગના કર્મચારીઓની માંગ છે કે તેમને વર્ગ 4 માંથી વર્ગ 3 માં સમાવવામાં આવે અને તેમને ફિલ્ડ વર્ક માટે ભથ્થું આપવામાં આવે તેમજ પોતાની માંગનો ઉકેલ નહીં આવે તો આગામી 18 ઓક્ટોબરથી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ MGVCL ના ટેક્નિકલ કર્મચારીઓએ સરકાર સમક્ષ અનેકો રજૂઆત કરી હતી જોકે સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.