ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકો ઉઠાવી જતી ટોળકી સક્રિય થઇ હોવાની અફવાઓ લોકો વચ્ચે સતત ચર્ચાનું કેન્દ્ર બની છે, જે બાદ કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ સતર્કતા દાખવતા બોર્ડ લગાવ્યા તો કેટલાંક સ્થળે શંકાના આધારે નિર્દોષ વ્યક્તિઓ ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી છે.
ખાસ કરી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં સતત છેલ્લા ૨૪ કલાકમાં બે જેટલી ઘટનાઓ બની હતી જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકો પર બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે ટોળા દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા, જે બાદ મામલો બી ડીવીઝન પોલીસ મથકે પહોંચતા પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાઓ અંગે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા.
બાળકો ઉઠાવી જવાની ટોળકી સક્રિય થઇ હોવાના વાયરલ વીડિયો બાદથી આ સમગ્ર બાબત લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે, તેમજ જે તે સ્થળે ભિક્ષુકો સહિત શંકાસ્પદ વ્યક્તિઓને લોકો દ્વારા પકડીને માર મારવામાં આવતી હોવાની ઘટનાઓ બનતા ભરૂચ જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે, અને આ પ્રકારની કોઈ ટોળકી સક્રિય ન હોવાનું જણાવી કાયદો હાથમાં લઇ બની રહેલ ઘટનાઓ સંદર્ભે લોકોને મામલે પોલીસ વિભાગને જાણ કરવા તેમજ કાયદો હાથમાં લેશો તો કાયદેસરની કાર્યવાહી કરવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744