ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ ઔધોગિક એકમોના આસપાસ વહેતી ખાડીઓમાં પ્રદુષિત જળ વહેતું હોવાની ઘટનાઓ રોકાવવાનું નામ ન લેતી હોય તેમ લાગી રહ્યું છે, અવારનવાર ખાડીઓમાં પ્રદુષિત જળ વહેતુ હોવાની ફરિયાદો કેટલાય પર્યાવરણ વાદી સંસ્થાઓ તરફથી જે તે વિભાગોમાં કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં સ્થિતિ સુધરવાનું નામ ન લેતી હોય તેવા દ્રશ્યો વર્તમાન સમયમાં પણ ખાડીઓમાં વહેતા જળને જોઈ કહી શકાય તેમ છે.
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડીમાં પ્રદુષિત જળના કારણે સફેદ રંગનું ફીણ ઊપસી આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઇ વધુ એકવાર બેજવાબદાર ઉધોગો અને પર્યાવરણના દુશ્મનો સામે સવાલો ઉભા થયા છે, અંકલેશ્વરના પર્યાવરણવાદી સંસ્થાઓના આગેવાનો દ્વારા અવારનવાર જી.પી.સી.બી સહિતના તંત્રમાં મામલે ફરિયાદો આપવામાં આવતી હોય છે તેમ છતાં આમલાખાડી સહિતની ખાડીઓમાં બેરોકટોક પ્રદુષિત જળ વહેતુ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં તંત્રની ઢીલાશ પણ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.
અવારનવાર આમલાખાડી સહિતના ખાડીઓમાં છોડવામાં આવતા પ્રદુષિત જળના કારણે પણ કેટલીય વખત જળચર પ્રાણીઓના મોતના બનાવો સામે આવી ચુક્યા છે તો કેટલાય સ્થળે ખાડીનું પાણી પીતા પશુઓના સ્વાસ્થ્ય પણ બગડે તેવી સ્થિતિનું સર્જન થઇ રહ્યું છે, તેવામાં વહેલી તકે આ પ્રકારે પર્યાવરણના દુશ્મન બની નદીઓ અને ખાડીઓમાં પ્રદુષિત જળ વહેતુ કરતા તત્વોની જે તે વિભાગના કર્મીઓએ બારીકાઈથી તપાસ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744