પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત તા:૩૦/૦૯/૨૦૨૨ ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે પ્રધાનમંત્રીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના આવાસોનું લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામડાઓમાં કુલ ૫૨૪ આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. પી એમ આવાસ યોજના અંતર્ગત રાજ્યના ૪૦૦૦ થી વધારે ગામોમાં આવાસોના લોકાર્પણ પૈકી ખેડા જિલ્લાના ગામોમાં ૨૭, ૨૮ તથા ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતાની થીમ પર સાંસ્કૃતિક અને આઈ.ઈ.સી પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે જરૂરી આયોજન કરવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરએ તા.૨૭, ૨૮ અને ૨૯ ના રોજ જિલ્લામાં સ્વચ્છતાને લગતા અને તા.૩૦ ના રોજ યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય તમામ પ્રવૃતિઓના સુચારૂ આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. કલેક્ટરએ જિલ્લાના સંબંધિત તમામ વિભાગના અઘિકારીઓને તેમના દ્વારા કરવામાં આવનાર કામગીરી અને પ્રવૃત્તિઓથી માહિતગાર રહેવા જણાવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમની તમામ પ્રવૃતિઓની અને માહિતીની સચોટ નોંધ રાખી સમયાંતરે રીપોર્ટીંગ કરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધીત અધિકારીઓને કાર્યક્રમો અંતર્ગત પ્રવુતિઓની રૂપરેખા અને આયોજન વિગતવાર મોકલી આપવા જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી. આર. રાણાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને આગામી સમયમાં કરવામાં આવનાર આયોજનની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે પી એમ આવાસ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ ગામોમાં પ્રભાત ફેરી, સ્વચ્છતા રેલી, ભવાઇ, શેરી નાટકો, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવાના છે. જેમાં ખેડા જિલ્લાના ૪૪ ગામોને ટુ વે કનેક્ટીવીટી અંતર્ગત પ્રધાન મંત્રી સાથે જોડવાના છે જે પૈકી પ્રધાનમંત્રી લાભાર્થી સાથે સંવાદ કરશે. જેથી લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર લાભ લે અને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ સર્જાય તેમ આયોજન કરવા જિલ્લા કલેક્ટર દ્વારા જણાવેલ છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા એસપી રાજેશભાઈ ગઢીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી. આર. રાણા સહિત અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ