ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, અન્ન, નાગરીક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આદિજાતી વિકાસમંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના સપનાને સાકાર કરવાં સમાજમાં દિકરીના શિક્ષણનું ખુબ જ મહત્વ છે. જો દિકરી શીક્ષિત હશે તો તે ભવિષ્યમાં પોતાના ઘર તથા કૂળને તારશે. જેના થકી સમાજ પણ સંસ્કારિત બનશે. વધુમાં મંત્રીએ દીકરીઓને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.
વધુમાં મંત્રીએ આદિવાસી સમાજની દિકરીઓના શિક્ષણ માટે અનેકવિધ યોજનાઓ રાજય સરકારે મૂકી છે. તેનો લાભ લઇને સમાજને આગળ લાવવા દિકરીઓએ પણ શિક્ષણક્ષેત્રે આગળ આવી સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગાદાન આપી તે માટે મંત્રીશ્રીએ આદિવાસી સમાજની દિકરીઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે આદિવાસી સમાજને આગળ લાવવા ગુણવત્તા વાળા શિક્ષણ આપવા રાજ્ય સરકારના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
વધુમાં મંત્રીએ આદિજાતી વિભાગ અંતર્ગત ચાલતી અંદાજિત ૧૦૮ જેટલી એકલવ્ય માડેલ રેસીડેન્સી સ્કૂલોના પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ સ્કૂલોમાં ૯૦ થી ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યા છે. જે બદલ સ્કૂલના છાત્રો તથા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના શૈક્ષણિક વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. અંતરિયાળ વિસ્તારમાંથી આવતી આદિવાસી છાત્રાઓ માટે શિક્ષણની દરકારની સાથે સાથે આ છાત્રાઓને સારી સંસ્થામાં અભ્યાસ માટે પ્રવેશ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉમદા પ્રયત્નો કરાયા છે. વધુમાં, શિક્ષણની સાથે રહેવા-જમવા જેવી પાયાની સુવિધા પણ મળી રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે અંતર્ગત આ કન્યા છાત્રાલયનું મંત્રીના હસ્તે લાકાર્પણ થઈ રહ્યું છે. જે બદલ રાજ્ય સરકારનો સાસંદએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન આપી આદિવાસી સમાજની દિકરીઓના શિક્ષણ માટેના સરકારના પ્રયત્નોને આવર્કાયા હતા. આ વેળાએ જિલ્લાના લાભાર્થીઓને સહાય ચેક, એસેટ, કીટ તથા યોજનાઓના લાભના મંજૂર હુકમ મંત્રી તથા મહાનુભાવોના વરદ્હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લાના સાસંદ મનસુખભાઈ વસાવા, તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, આદિજાતિ વિકાસના નિયામક દિલીપ રાણા સહિત પદાધિકારી તથા અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.