સામાન્ય રીતે આમ જોવા જઈએ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ જે રીતે દારૂ ઝડપાય છે અને વેચાણ થાય છે તે તમામ બાબતો દારૂ બંધીના ધજાગરા ઉડાડતી હોય છે, ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા અવારનવાર બુટલેગરોને ઝડપી પાડી તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરતા હોય છે, પરંતુ બુટલેગરો પણ હમ નહિ સુધરેગે જેવી નીતિ અપનાવી ફરીથી પોતાનો નશાનો વેપલો ધમધમાવતા થઇ જાય છે, જે બાદ દારૂડીયાઓ પણ નશામાં તલ્લીન થઈ ફરતા હોય તેમ કેટલાય સ્થળે જોવા મળતા હોય છે.
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં પણ આજ પ્રકારની એક ઘટના ગત સાંજે સામે આવી હતી, જ્યાં નશામાં ધૂત એક વ્યક્તિ ભર બજાર અને જાહેર માર્ગ ઉપર બિન્દાસ અંદાજમાં રસ્તા વચ્ચે જ સૂતો હોય તેમ નજરે પડ્યો હતો, જે બાદ સમગ્ર ઘટના ક્રમ અંગેનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા મામલો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, તેમજ અંકલેશ્વરમાં દારૂબંધી કેટલા અંશે છે તેનો જીવતો જાગતો પુરાવો આ વ્યક્તિ છે તે પ્રકારની ચર્ચાઓ લોકો કરતા નજરે પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના કેટલાય ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં દેશી તેમજ ભારતીય બનાવટના વિદેશી શરાબનું આજે પણ કેટલાય બુટલેગરો ક્યાંક બિન્દાસ અંદાજમાં તો ક્યાંક છુપી રીતે વેચાણ કરી રહ્યા છે. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓનું ચલણ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરી નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના મોટા પ્રમાણમાં અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે તેવામાં પોલીસ વિભાગે પણ હવે આ પ્રકારના અડ્ડાઓ ઉપર સ્પેશિયલ ડ્રાઇવ કરી નશાનો વેપલો કરતા તત્વોને જેલ ભેગા કરવા જોઈએ તેવી લોક માંગ પણ જાગૃત નાગરિકોમાં ઉઠી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744