ભરૂચ જિલ્લાના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં દિવસેને દિવસે ચોરીઓની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ક્યાંક વાહનો ચોરાઇ રહ્યા છે તો ક્યાંક કંપનીઓમાંથી સામાન ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જે બાદ ભરૂચ પોલીસ વિભાગ પણ હવે આવા તસ્કરોને ઝડપી પાડવા માટે સતત પેટ્રોલીંગ અને ચેકીંગ હાથધરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપારડીથી નેત્રંગ જતા માર્ગ ઉપર ગૂંડેચા બસ સ્ટેન્ડ પાસે રાજપારડી પોલીસના કર્મીઓ વાહન ચેકીંગમાં હતા દરમિયાન નેત્રંગ તરફથી આવતી ઇકો કાર નંબર GJ 16 BK 9947 ના ચાલકને રોકી ગાડીમાં તલાશી લેતા ગાડીના અંદરના ભાગે લોખંડની નાની મોટી પ્લેટો, લોખંડની સ્પ્રિંગ, લોખંડના હુક, ટોગલ સહિતના સામાન મળી આવતા પોલીસે મામલે કારમાં સવાર બંને ઇસમોની પૂછપરછ હાથધરી હતી.
પોલીસની પૂછપરછમાં બંને ઈસમોએ પોતે રાજપારડી તેમજ ઝઘડિયા વિસ્તારમાંથી સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ ઇકો કાર અંગે પણ પોલીસે પૂછતાં કારના પણ કાગળ ન હોવાનું સામે આવ્યું હતું, જે બાદ રાજપારડી પોલીસે આરોપી (૧) વિષ્ણુ ભાઈ જાંબુ ચંદુભાઈ વસાવા રહે,કાંટોલ સરપંચ ફળિયું,ઝઘડિયા તેમજ (૨) નંદલાલ ભાઈ ચતુરભાઈ વસાવા રહે,કાંટોલ મંદિર ફળિયું ઝઘડિયા નાઓ ધરપકડ કરી તેઓ સામે ગુનો દાખલ કરી કુલ ૩,૭૦,૫૦૦ નો મુદ્દામાલનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.