ભરૂચ જિલ્લા ભાજપે દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપવાનો પ્રયાસ કરાયો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસ નિમિતે સાવરથી જ વિવિધ કાર્યકમો આયોજિત કરાયા હતા.
પાઠશાળા ખાતે 72 માં જન્મદિન નિમિતે 72 કુંડી યજ્ઞ અને મહા મૃત્યુંજય મંત્રના જાપ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ ભાજપ કાર્યકરો દ્વારા આયોજિત કરાયા હતા. જેમાં 115 ભુદેવોએ હવનમાં મહા મૃત્યુંજય મંત્રની આહુતિ આપી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મંગલ કામના કરી હતી. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના જોડાયા હતા. જે બાદ 72 કુંડી મહા મૃત્યુંજય મંત્ર સાથે હવનનું આયોજન કરાયું હતું. જેમાં પણ જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભાજપ મહિલા મોરચા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાદ શ્રવણ સ્કૂલ ખાતે વર્ષ પહેલાં લેવાયેલો 7272 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવવાનો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની કેક દિકરીઓના હસ્તે જ કપાવી સુકન્યા સમૃદ્ધિની પાસબુક વિતરણ કરાયું હતું. પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, છોટાઉદેપુર પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, વૈભવ બિનિવાલે સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શ્રવણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાપન સમારોહ આગામી 24 મી એ પંડિત ઓમકારનાથ હોલ ઉપર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. આગળ પણ જે 0 થી 10 વર્ષની દીકરી છે તેને આત્મનિર્ભર કરવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવાનું અભિયાન ભાજપ અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર સહિત જિલ્લાની અન્ય સંસ્થાઓ દ્વારા આગળ ધપતું રહેશે. જિલ્લા ભાજપ દ્વારા દિવસભર વિવિધ કાર્યકમો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને તેઓ દેશ જ્યાં સુધી વિશ્વ ગુરૂ ન બને ત્યાં સુધી ભારતની સેવામાં કાર્યરત રહે તેવી શુભ કામના પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના બે સાયકલિસ્ટો પણ અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અને ભરૂચના શ્વેતા વ્યાસ આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મ દિવસની ઉજવણી 72 કિમી સાયકલિંગ કરી અને શ્રવણ સ્કૂલ ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ અને ટીમ સાથે ઉજવણીમાં જોડાયા હતા.