બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકા વોર્ડ ૮ ના માજી નગર સેવક મનહરભાઈ પરમાર ગત રાત્રીના સમયે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગાર્ડન સીટી ખાતે તેઓના મિત્રને મળવા માટે ગયા હતા બાદ તેઓ રાત્રીના સમયે પરત ફરતા અંકલેશ્વરના ગડખોલ ઓવર બ્રિજ નજીક આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે GJ 16 BG 5228 નંબરની ફોર વ્હીલ કાર તેઓની કાર આગળ આવી ઉભી રહી ગઈ હતી.
જે બાદ કારમાંથી અમિત ગોહિલ તેમજ વિશાલ ગોહિલ સહિત અન્ય બે ઈસમોએ ઉતરી આવી મનહરભાઈ પરમારને તેઓની ગાડીમાંથી બહાર ખેંચી જઈ તેઓના હાથમાં રહેલ હથોડી વડે આંખના ભાગે તેમજ ડાબા ગાલ પર તથા અન્ય ઈસમોએ શરીરના ભાગે ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી મનહર પરમાર પાસે રહેલ ૫૦ હજારની રોકડ રકમ સહિત તેઓએ પહેરેલ ૨ લાખની કિંમતની સોનાની ચેઇન લૂંટી લઇ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી સ્થળ પર લોક ટોળા ભેગા થઇ જતા તેઓની કાર લઇ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનામાં ઇજાગ્રસ્ત માજી નગર સેવક મનહરભાઈ પરમારને ઉપસ્થિત લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મનહર પરમારના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ સંદીપ નામના ઈસમ સાથે અમિત ગોહિલની કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જે બાદ તેઓએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે સંદીપને સાથે રાખી ફરિયાદ આપી હતી જે અંગેની રિસ રાખી તેઓ ઉપર આ હુમલો થયો હોવાનુ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ તેઓની ફરિયાદમાં મનહરભાઈ પરમારે જણાવ્યું હતું.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744