ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર – જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાના સાયન્સ સેમીનાર સ્પર્ધાનું આયોજન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન : પડકારો અને સંભાવનાઓ વિષય પર ૪૮ જેટલા વિદ્યાર્થીઓએ પી.પી.ટી અને ચાર્ટના માધ્યમથી રજૂઆત કરી હતી.
કાર્યક્રમની શરૂઆત પર્યાવરણ પ્રાર્થનાથી કરવામાં આવી જેના શબ્દો છે “વૃક્ષ વિના જીવન સુનુ સુનુ લાગે” જે રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય ભરૂચના રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક ઉલ્લાસબેન મોદીની સ્વરચિત પ્રાર્થના છે. સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે ચેરમેન- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર કિંજલબેન ચૌહાણ અને ચેરમેન કિર્તીબેન જોષી હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે, નિર્ણાયક તરીકે મુન્શી મહિલા બી.એડ કોલેજ ભરૂચના પ્રા. અદિતિબેન શુકલ, ધ્વનિ બધિર વિદ્યાલય ભરૂચના વિજ્ઞાન શિક્ષક નેહાબેન પરિખ અને નેશનલ હાઇસ્કૂલ અંકલેશ્વરના વિજ્ઞાન શિક્ષક બ્રિજલબેન જોષીએ સેવા આપી હતી. જિલ્લા કક્ષાના સાયન્સ સેમિનાર સ્પર્ધામાં ક્રમશઃ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે પટેલ નિર્વા ( નારાયણ વિદ્યાલય ભરૂચ) સવાની ક્રિન્સ (લાયન્સ સ્કૂલ અંકલેશ્વર) અને ક્રીથીક નાયર (શબરી વિદ્યા પીડમ સ્કૂલ) વિજેતા બન્યા હતા.
વિજેતાઓને મહેમાન અને નિર્ણયકોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થી આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચના કો- ઓર્ડીનેટર કેશા પ્રજાપતિએ કર્યું હતું.