પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે “વિશ્વાસથી વિકાસ” યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં રૂ.૪૫૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે અનુસંધાને ભરૂચ પ્રાંતમાં રૂ.૩.૨૦ કરોડના ખાતમુહૂર્તના કર્યો તથા રૂ.૪૪ લાખના ખર્ચના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે,સૌના સાથ સૌના વિકાસની ડબલ એન્જિન વાળી સરકારે છેવાડા માનવી સુધી કલ્યાણકારી યોજના પહોચાડવામા સફળ રહી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે ત્રણ સ્તંભનાં વિકાસ માટે ખૂબ કાર્ય કર્યું છે. જેમાં કૃષિ વિકાસ, સામાજિક ક્ષેત્રના વિકાસ તથા ઔધોગિક વિકાસમાં માતબર ફાળો આપ્યો છે. ભરૂચ જિલ્લાની વાત કરતાં તેમણે ઉમેર્યું કે મીઠા પાણી માટે ૫૮ એકરમાં ફેલાયેલ માતરિયા તળાવથી માત્ર ગ્રેવિટેશનલ ફોર્સ થકી ભરૂચને મીઠું પાણી મળી રહે છે. આ તળાવ અમદાવાદના કાકરિયા તળાવ પછીનું બીજા નંબરનું સ્થાન ઘરાવતું તળાવ છે તેમ તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે ભરૂચ જિલ્લામાં થયેલ વિવિધ આયોમોના વિકાસ કાર્યોને લોકો સમક્ષ રજુ કર્યા હતા.
આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા વિકાસ અંગેની ટુંકી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારના વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી તુષાર સૂમેરા, નિવાસી અધિક કલેકટર એન આર ધાંધલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ બાંધકામ સમિતિની અધ્યક્ષ ધર્મેશભાઇ મિસ્ત્રી, ભરૂચ તાલુકા પંચાતના પ્રમુખ મોનાબેન પટેલ, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ કોલમબેન મકવાણા સહિત પદાધિકારી – અધિકારીઓ તથા વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
“વિશ્વાસ થી વિકાસ” કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં રૂ.૧.૩૪ કરોડના ૫૪ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૨૬ લાખના ખર્ચે ૧૩ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વાગરા તાલુકાના રૂ.૧.૦૯ કરોડનાં ખર્ચે ૪૭ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧૮ લાખનાં ૮ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરૂચ નગરાલિકામાં રૂ. ૭૬ લાખના ૮ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ ભરૂચ પ્રાંત કક્ષામાં કુલ રૂ.૩.૨૦૨ કરોડના કુલ ૧૦૯ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૪૪ લાખના ૨૧ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.