ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ કરાર આધારિત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓએ ઝઘડિયા મામલતદારને આવેદન આપીને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપીને યોગ્ય પગાર નિતી બનાવાય તેવી માંગ કરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ જીલ્લા કરાર આધારિત આઉટસોર્સિંગ રોજમદાર મહાસંઘના નેજા હેઠળ ઝઘડિયા તાલુકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ ઝઘડિયા મામલતદારને આપેલ આવેદનમાં માંગ કરી હતી કે ગુજરાત સરકારની અંદર કામ કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ વેતન અંતર્ગત કાયમી કર્મચારીઓને મળતા લાભ આપવામાં આવે. ઉપરાંત કાયમી કર્મચારીઓને મળતા વિવિધ લાભ જેવા કે રજાઓ, મેડિકલ, જીવન વીમાના લાભ આપવા પણ માંગ કરી હતી. આવા કર્મચારીઓની સેવાપોથીમાં તમામ લાભોની નોંધ લેવામાં આવે તેવી માંગ કરીને આવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવી લેવાય એવી પણ રજુઆત આવેદનમાં કરવામાં આવી હતી. તેમજ આ બધા લાભ સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારીઓને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય રાજ્યો દ્વારા તેમના આવા કર્મચારીઓને વિવિધ લાભો આપવા નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જણાવીને ગુજરાત રાજ્યના આવા કર્મચારીઓને પણ રાજ્ય સરકાર દ્વારા આ લાભો આપવામાં આવે તેવી રજુઆત મામલતદારને આપેલ આવેદનના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ