ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેથી સવારના પોણા છ વાગ્યાના સમયે કારંટા જવાની લોકલ બસ લાંબા સમયથી ચાલે છે. ઝઘડિયા રાજપારડી ઉમલ્લા રાજપિપલા પંથકના મુસાફરો માટે સવારના સમયે કેવડીયા, નસવાડી, બોડેલી થઇને ગોધરા લુણાવાડા તરફ જવાની આ લોકલ બસ મહત્વની બસ સેવા ગણાય છે. ઉપરાંત કેટલાક રોજ અપડાઉન કરવાવાળો નોકરીયાત વર્ગ પણ આ બસનો લાભ લેતો હતો. પરંતું પાછલા થોડા સમયથી આ બસ અનિયમિત બનાવી દેવાતા રોજીંદા ઉપરાંત પંચમહાલ જીલ્લા તરફ જવાવાળા મુસાફરોને હાલાકિ ભોગવવી પડતી હોવાની વાતો સામે આવવા પામી છે. લાંબા સમયથી આ રૂટ પર એસ.ટી.બસ દોડતી હતી. પરંતું એકાએક આ બસ અનિયમિત બનાવી દેવાતા સવારના સમયે બસની રાહ જોઇને ઉભા રહેતા લોકોને નિરાશ થવાનો વારો આવે છે. ઝઘડિયા એસ.ટી.ડેપોના સત્તાવાળાઓના આવા મનસ્વી નિર્ણયથી આ રૂટ પરના લાંબા અંતરની મુસાફરી કરવાવાળા નાગરીકો હેરાન થઇ રહ્યા છે. આ રૂટ પરની બસ હાલ અનિયમિત બનાવી દેવાતા આ રૂટ આ બહાને બંધ કરી દેવાની તો ઝઘડિયા એસ.ટી.સત્તાવાળાઓની દાનત નથીને? એવી ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે, ત્યારે એસ.ટી.ના અણઘડ વહિવટથી મુસાફરોને પડતી હાલાકિ નિવારવા તાકીદે એસ.ટી. ભરુચ ડિવિઝનના સત્તાવાળાઓ ઝઘડિયા ડેપોની આ બસ નિયમિત બનાવવા યોગ્ય પગલા ભરે તેવી માંગ જનતામાં ઉઠવા પામી છે. જો સંબંધિત એસ.ટી. સત્તાવાળાઓ ઝઘડિયા કારંટા રૂટ પરની અનિયમિત બનાવી દેવાયેલ બસ નિયમિત નહિ બનાવેતો મુસાફરો તેમજ અન્ય નાગરિકો દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ