રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશ્ર્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ તથા જિલ્લા વહીવટી તંત્ર, ખેડા-નડિયાદ સંચાલિત કલાના યજ્ઞ સમા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નો શુભારંભ શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, શ્રી સંતરામ મંદિરના ચોગાન, નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના આર્શીવાદ અને શ્રી સંતરામ મંદિરના મહંતશ્રી પ.પૂ. રામદાસજી મહારાજની શુભ નિશ્રામાં પૂજય નિર્ગૂણદાસજી મહારાજના આર્શીવચનો અને જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો.
કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ ને દિપ પ્રગટાવીને ખુલ્લો મૂકતાં પ.પૂ નિર્ગુણદાસજી મહારાજે શુભ આર્શીવાદ પાઠવતા જણાવ્યું હતું કે, કલા મહાકુંભના માધ્યમથી ગુજરાતના કલાકારોને તેમની કલાનું પ્રદર્શન કરવાનું ઉત્તમ માધ્યમ પુરૂ પાડી શકાય છે તેમજ ઉગતા કલાકારોને પ્રોત્સાહન મળી રહે છે. આ કલાકારો તેઓની કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી તેમનું તેમજ નડિયાદ-ખેડાનું નામ દેશ વિદેશમાં રોશન કરશે. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, કલા મહાકુંભના માધ્યમથી કલાકારોની કલાનો વિશ્વને પરિચય થાય છે અને ઉગતા કલાકારોને શ્રેષ્ઠ માધ્યમ મળી રહે છે. તેઓએ કલાકારોને ભાગ લેવા બદલ અને તેઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઇ મકવાણાએ સૌનું સ્વાગત કરી આ પાંચમા કલા મહાકુંભની વિસ્તૃત વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બે દિવસ દરમ્યાન યોજનાર આ કલા મહાકુંભમાં વિવિધ ૨૩ જેટલી સ્પર્ધાઓમાં જિલ્લાના વિવિધ ઉંમરના અંદાજે ૧૬૦૦ થી ૧૮૦૦ જેટલા કલાકારો ભાગ લઇ રહયા છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઝવેરચંદ મેધાણીના લોકગીત અને વકૃતત્વ સ્પર્ધાના વિજેતાઓ પ્રદિપભાઇ તથા કૃતિબેન સરૈયાનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કલા મહાકુંભના શુભારંભમાં ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર મહેશભાઇ રબારી પણ ઉપસ્થિત રહી નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આજે યોજાયેલ આ સ્પર્ધાઓના કાર્યક્રમમાં રમત ગમત અધિકારી લક્ષ્મણભાઇ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રણજીતસિંહ ડાભી, રમતગમત વિભાગના ર્ડા. ચેતનભાઇ સિંયાણીયા, વિવિધ શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, કલાકારો સહિત શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ