ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે છલોછલ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, નર્મદા ડેમમાં સતત ઉપરવાસમાંથી આવતા પાણીની આવકના પગલે ડેમની જળ સપાટીમાં પણ ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, ચોમાસાની ઋતુમાં ડેમમાં જળની આવક વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી જે બાદ ડેમના તમામ દરવાજા ખોલી ડેમનું રોલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા નર્મદા નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું હતું.
નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી સિઝનમાં બે વખત ભયજનક સ્તરે પહોંચી હતી. જોકે બાદમાં નદીની સ્થિતિ સામાન્ય બની છે, પરંતુ નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમ હાલ છલોછલ ભરાયેલું નજરે ચઢી રહ્યું છે, હાલ નર્મદા ડેમની સપાટી 137.17 મીટર થઈ છે, જેમાં 24 કલાકમાં 9 સેમીનો વધારો નોંધાયો છે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર એટલે કે હવે માત્ર ગણતરીના મીટર નીચે પાણી વહી રહ્યું હોવાનુ સામે આવ્યું છે.
હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 66353 ક્યુસેક નોંધાઇ રહી છે, જે બાદ તંત્ર દ્વારા ડેમના 2 દરવાજા ખોલી 15000 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે, નર્મદા ડેમમાં સતત પાણીની આવકના પગલે ચાલુ વર્ષે ગમ્મે ત્યારે ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી, જોકે હાલ ડેમનું રોલ લેવલ જાણવવા તંત્ર દ્વારા સ્ટેપ બાય સ્ટેપ પક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744