સાક્ષર નગરી નડિયાદ સ્થિત ખેડા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે જાણીતી સંત આન્ના હાઈસ્કૂલમાં ત્રિદિવસીય TECH FAIR ઉજવાઈ ગયો. જેનું ઉદ્દઘાટન ખેડા જિલ્લા આચાર્યસંઘના પ્રમુખશ્રી શૈલેષભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની મુલાકાત પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓ, બીજા દિવસ શહેરની અન્ય શાળાના વિદ્યાર્થીઓ અને ત્રીજા દિવસે વાલીઓએ લીધી હતી.
TECH FAIR એટલે વિજ્ઞાન અને ટેક્નોલોજીને આધારે કમ્પ્યૂટર ક્ષેત્રમાં આવનારા ભવિષ્યમાં સર્જનારી અવનવી સુવિધાનો પ્રત્યક્ષ અનુભવ. કમ્પ્યૂટરના માધ્યમથી આવનારી પેઢી કેવી સુવિધાઓ મેળવી શકશે તેનો પરિચય કુલ 60 મોડલ્સ દ્વારા કરાવવામાં આવ્યો હતો. શાળાના કમ્પ્યૂટર શિક્ષકો ભરતભાઈ શાહ, ડેનિશ મેકવાન તથા વિરેન્દ્ર પરમારના માર્ગદર્શનમાં ધો. 10, 11 અને 12 માં ભણતા વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટ બનાવ્યા હતાં.
પ્રદર્શનમાં કમ્પ્યૂટર દ્વારા પ્રવેશ (Visitor Entry) થી માંડી પ્રદર્શન અંગે પોતાનો મત રજૂ કરવા સુધી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સેન્સર આધારિત કચરા પેટી, તમને બચપન અને પચપન (બાળપણ-પ્રોઢાવસ્થા)ની ઝાંખી કરાવતી ટેક્નોલોજી જેવા રસપ્રદ કુલ 60 જીવંત મોડલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યા રેવ. સી. નયનાની નિશ્રામાં સાથી શિક્ષકોના સહકાર મધ્યે આ ત્રિદિવસીય TECH FAIR અંગે વાલીઓના ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યાં હતાં. કમ્પ્યૂટર ક્રાંતિનો અમારી આંખે અનુભવ કર્યાનું વાલીઓએ જણાવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ