તાજેતરમાં ચોમાસાન ઋતુના અંત સુધીમાં અનેક એવા વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત ખરાબ થઇ હોય તે પ્રકારની બૂમરાણ વિવિધ વિસ્તારોમાંથી ઉઠવા પામી હતી. ભરૂચ શહેરના પણ કેટલાય એવા વિસ્તારોમાં આજે પણ મસમોટા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓ સમાન બન્યા છે, જેમાં વાત કરવામાં આવે તો કસકથી મકતમપુર રોડ, સ્ટેશનથી રેલવે ગોડી થઇ નંદેલાવ તરફ જતો રોડ તેમજ પાંચબત્તી, આલી ઢાળ, મહંમદપુરા, બાયપાસ ચોકડી વિસ્તાર સહીતના કેટલાય વોર્ડના અંતરિયાળ રસ્તા બિસ્માર છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા આ રસ્તાઓના રીપેરીંગ કાર્ય કર્યા છે, પરંતુ માત્ર ઉપર ઉપરથી રસ્તાઓના થિંગડા મારતા એ રસ્તાઓ પણ તાજેતરમાં પડેલા વરસાદમાં ફરી એકવાર ખાડામય બન્યા છે, તેવામાં હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું કે કાર્યક્રમ બાદથી તેઓનું નિવેદનનો વીડિયો સોશિયલ મિડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
વાયરલ થયેલ વીડિયોમાં ધારાસભ્ય મંચ પરથી બોલી રહ્યા છે કે મારી વિધાનસભા ક્ષેત્રમાં 10 કરોડ સરકારે રોડ રસ્તા બનાવવા માટે આપ્યા છે, પણ 5 કરોડના રોડ મુકવા આવે એટલા રોડ નથી મારી પાસે, એટલો વિકાસ કર્યો છે, મારી પાસે એવા કોઈ રોડ જ નથી કે હું નોન પ્લાનના કામો આપી શકું, આમ ધારાસભ્ય એ નિવેદન આપતા હાલ મામલો લોકોમાં ચર્ચામાં આવ્યો છે.
મહત્વનું છે કે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વાત કંઇક અંશે પુરવાર પણ થઈ શકે તેમ છે, તો બીજી બાજુ હજુ પણ કેટલાક માર્ગ બિસ્માર છે તેનું સર્વે કરાવી ધારાસભ્ય તાત્કાલિક પ્રજાની સુખાકારી માટે તેવા માર્ગોનું રીપેરીંગ કાર્ય કરાવી દેશે તેવી આશ હાલ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744