ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો સહિત 400 થી વધુ કાર્યકરોએ આજે વિધિવત ભાજપમાં જોડાય કેસરિયો ધારણ કરતા જિલ્લા ભાજપે આજે ભરૂચ કોંગ્રેસ મુક્ત થયું હોવાનું દ્રશ્ય દેખાયું હોવાનું કહી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની પાંચેય બેઠકો BJP જીતશેનો મત વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશકક્ષાએથી હોદ્દેદારોમાં ભારે નારાજગી અને અણગમો જોવા મળી રહ્યો છે. જેને લઈ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ટપોટપ નારાજગીનામાં ધરી કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યા હતા.
તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા.
આજે રવિવારે તેઓ સત્તાવાર જાહેરાત મુજબ વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા. ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી સહિતની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.
કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને આવકારતા વિધાનસભા દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં આજે કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં સૌ કાર્યકરો, આગેવાનો જોડાઈ રહ્યા છે. દેશ, ગુજરાત અને ભરૂચના વડાપ્રધાનના વિકાસથી પ્રભાવિત થઈ ભાજપમાં આજે આટલી વિશાળ સંખ્યામાં કોંગ્રેસી મિત્રો જોડાયા છે. હવે ભાજપ પરિવારમાં કોંગ્રેસ પક્ષના આ સાથીઓ ભળી ગયા છે. ભાજપ સૌને સાથે લઈ માન આપી ચાલનાર પાર્ટી છે. આજે ભરૂચ કોંગ્રેસ મુક્ત થઈ ગયું હોવાનું દ્રશ્ય દેખાય છે. તમામને ભાજપમાં માન સાથે આવકાર છે.
વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ 400 જેટલા આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકારતા કહ્યું હતું કે, તમારો યુઝ એન્ડ થ્રો નહિ થાય, આપણે સિદ્ધબદ્ધ સૈનિકો છીએ. જિલ્લાની તમામ બેઠકો ભાજપની આવશે તેમા કોઈ બેમત નથી. ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેત્વુત્વમાં અમિત શાહના સંગઠનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રાહબરીમાં સર્વ જનજનનો વિકાસની નેમ સાથે દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાને લઈ જવા આગળ વધી રહી છે. હવે તમે તમામ પણ ભાજપની આ વિકાસકૂચમાં જોડાઈ ગયા છો.
જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તમામ કોંગ્રેસના પૂર્વ હોદેદારો અને કાર્યકરોનું ભાવભીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. ભાજપમાં કેસરિયો ખેસ પહેરી દેશ માટે કામ કરવાની ભાવાના સાથે જોડાયા છે. જે માટે સર્વેને વિકાસના પ્રવાહમાં જોડાવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. ગુજરાત કોંગ્રેસ મુક્ત પહેલ ગણાવી તમામને દૂધમાં સાકરની જેમ ભેળવીને મીઠો આવકાર આપ્યો હતો.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, સપૂર્ણ ભરૂચ જિલ્લો કોંગ્રેસ અને બિટીપી મુક્ત થઈ રહ્યો છે. વાલિયા, નેત્રંગ અને જંબુસરમાં પણ કમળ ખીલી ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. ભરૂચ જીલાની પાંચેય વિધાન સભાની બેઠક બીજેપી જીતશે તેમાં હવે કોઈ બેમત નથી નો અંતે આશાવાદ વ્યક્ત કરાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તમામને લેવામાં આવ્યા હતા.
હારૂન પટેલ : ભરૂચ