વડોદરા શહેરના હરિધામ સોખડાની ગાદી-સંપત્તિનો વિવાદ દેશના સિમાડા ઓળંગી હવે વિદેશમાં પહોંચ્યો છે. અમેરિકામાં પણ બંને જૂથના સમર્થકોએ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ કર્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીનું જૂથ કહે છે કે પ્રબોધસ્વામીનું જૂથ અદાલતના આદેશનું અવળું અર્થઘટન કરી સોશિયલ મીડિયા દ્વારા ભળતી વાતો વહેતી કરે છે. અમેરિકાની ન્યૂજર્સી કોર્ટના ન્યાયમૂર્તિ ફ્રેન્ક જે દેંગેલીસે સ્પષ્ટ એદાશમાં ઉલ્લેખ્યું છે કે દાવા સાથે ધાર્મિક બાબતો જોડાયેલી હોવાથી બિનસાંપ્રદાયિત અદાલતના કાર્યક્ષેત્ર બહાર ગણાવીને નિકાલ કર્યો છે. એટલું જ નહીં ન્યાયમૂર્તિએ સ્પષ્ટતા કરી છે કે જો તેઓ આ કેસમાં કોઇ આદેશ આપશે તો તે સંસ્થા માટે અધિષ્ઠાતા નક્કી કરી આપે તેવું બને જે યોગ્ય નથી. આવા કોઇપણ આદેશથી બિનસાંપ્રદાયિક હેતુ નહીં સરે પરંતુ ધાર્મિક માન્યતાને આગળ કરવાનો પ્રાથમિક ઉદ્દેશ સિધ્ધ થશે.
તદઉપરાંત ધાર્મિક બાબતોમાં સરકારનો વધુ પડતો હસ્તક્ષેપ દર્શાવશે. એટલું જ નહીં આધ્યાત્મિક વડા અંગે કોર્ટનો નિર્ણય તેને પ્રતિસ્પર્ધી ધાર્મિક દ્રષ્ટિ બાબતે વિવાદમાં સામેલ કરશે જે મંદિરના વહીવટમાં હસ્તક્ષેપ જેવું લાગશે.ન્યાયમૂર્તિએ આદેશમાં ઉમેર્યું છે કે અરજદારે માંગેલી દાદ પ્રમાણે આર્થિક બાબતો અંગેનો કોઇ નિર્ણય પણ વ્યવહારિક રીતે આધ્યાત્મિક વડા નક્કી કરવાની બબાતને સ્પર્શે. તે જોતા આ બાબતનો ઉકેલ સંપૂર્ણ બિનસાંપ્રદાયિક નહીં રહે. જેથી કોર્ટને લાગે છે કે આ કેસ તેના કાર્યક્ષેત્રની સીમા બહારનો છે. આથી કોઇપણ પૂર્વગ્રહ વગર અરજદારની અરજી રદ કરવામાં આવી છે.