વોલેન્ટરી નેચર કન્ઝર્વન્સી તથા પેટલી ગ્રામ પંચાયતના સહયોગથી પેટલી પ્રાથમિક શાળામાં બાળ મગર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ચરોતર પ્રદેશમાં મગરોની સાથે રહેતા સ્થાનિક ગ્રામજનો તથા મગર વચ્ચેનો જે સહ અસ્તિત્વનો સંબધ છે તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ મેળામાં ચરોતરમાં મગરની વસ્તી ધરાવતાં પેટલી, ડેમોલ, લવાલ, દેવા, અલીન્દ્રા, વસો, મલાતજ તથા હેરંજ ગામોની ૧૪ જેટલી પ્રાથમિક શાળાઓના ધો. ૬ થી ૮ ના ૨૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાવી પેઢી એવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અને જાગૃતતા તરફ વળે તે અર્થે મગરને સંદર્ભ જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને માટીમાંથી મગર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓ ગમ્મત સાથે સાથે જ્ઞાન મેળવે તે માટે મગરના ઈંડા, મગરની બખોલ, મારું ગામ મારા મગર, મગરની ચાલ જેવી વિવિધ રમતો આવરી લેવામાં આવી હતી.
મગર વિશેષજ્ઞ ડો. રાજુ વ્યાસ દ્વારા આ બાળ મગર મેળા પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી. મનોજભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં વસો તાલુકા પ્રમુખ હેમલબેન પટેલ, પેટલીના સરપંચ ભૂમિબેન ત્રિવેદી, કાન્તીભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, દાતા અશ્વિનભાઈ પટેલ, સ્કુલના દાતાઓ, વન્યજીવ વૈજ્ઞાનિક ડો. જતીન્દર કૌર હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા વોલેન્ટરી નેચર કન્ઝર્વન્સીના ૩૦ સ્વયંસેવકો દ્વારા તથા બીજેવીએમ કોલેજના ૧૮ એનએસએસના વિદ્યાર્થીઓએ ખુબ મહત્વનું યોગદાન આપ્યું હતું. વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ