ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે અસામાજિક પ્રવૃતિને રોકવા માટે રાજ્યની પોલીસે કમર કસી છે. જેને પગલે પોલીસથી બચવા માટે ગેરકાયદે પ્રવૃતિ કરનાર ગુનેગારો પણ નવા-નવા રસ્તા શોધી રહ્યા છે.
રાજસ્થાનથી ટ્રકમાંથી દારૂ સંતાડીને વડોદરામાંથી પસાર થઈ રહેલા ડ્રાઈવર દ્વારા પણ આવો જ રસ્તો અપનાવ્યો હતો. પરંતુ વડોદરા રૂરલ પોલીસે તેનો ખેલ બગાડી દીધો. ગઈકાલે કરજણ ચોકડી પાસેથી ડાયપરની આડમાં દારૂનો જથ્થો લઈ જનાર ટ્રકને કરજણ પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં રૂ.10,71,840 કિંમતની કુલ 2100 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા રૂરલ પોલીસને ડાયપરના બોક્સની આડમાં પોલીસની નજર ચુકવી અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈ જતા ઈસમને ઝડપી પાડી વિશાળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે 1 સપ્ટેમ્બરના રોજ વડોદરા રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, એક ચોક્કસ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા થઈ સુરત શહેર લઈ જવાઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનની હદમાં વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર કરજણ ચોકડીના ઓવર બ્રિજ પાસે બાતમી મુજબના ટ્રકની વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન બાતમી અનુસારનો એક ટ્રક આવતા તેને પોલીસ દ્વારા રોકીને તપાસ હાથ ધરાઈ હતા. ટ્રકમાં આરોપી ડ્રાઈવર શ્રવણકુમાર ઉગમા પ્રજાપતી રહે. ગીરધરપુરા ગામ, ભલીવાડા જિલ્લા, રાજસ્થાન એકલો જતો હતો. જેને સાથે રાખીને પોલીસે ટ્રકમાં રહેલા માલસામાનની તપાસ કરી હતી. જેમાં ડાયપરના બોક્સ મળી આવ્યા હતા. પરંતુ આ બોક્સ હટાવી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 175 પેટીઓમાં 2100 દારૂની બોટલ મળી હતી. રૂ. 10,71,840 કિંમતની 2100 વિદેશી દારૂની બોટલ પોલીસ દ્વારા કબ્જે કરાઈ હતી.