માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બનેલા નવા પોલીસ સ્ટેશનમાં વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન નજીકના 10 જેટલા ગામોનો સમાવેશ કરાતા ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને 20 થી 25 કિલોમીટર દૂર ફરિયાદ કરવા જવાની નોબત આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરી આ 10 ગામોનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આ મુદ્દે સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
માંગરોળ પોલીસ સ્ટેશનમાંથી વિભાજીત થયેલ ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ ચોકીને નવા પોલીસ સ્ટેશનના દરજ્જો મળ્યો છે જેનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશનમાં વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં સમાવિષ્ટ આઠ જેટલા ગામોને ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં જોડી દેવામાં આવ્યા છે. લોકોને વિશ્વાસમાં લીધા વિના તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. વાંકલ આઉટ પોસ્ટમાં સમાવિષ્ટ નાંંદોલા અને નાની ફળી ગામ વાંકલથી માત્ર એક કિલોમીટર દૂરના અંતરે આવેલા છે. પહેલા ઘર આંગણે ન્યાય મળતો હતો પરંતુ હવે આ ગામના લોકોને પોતાની ફરિયાદ માટે ઝંખવાવ 20 કિલો મીટરનો ફેરો લગાવો પડે છે. તેમજ ભડકુવા, લવેટ, રટોટી સહિતના ગામોના લોકોને માત્ર પાંચ સાત કિલોમીટરના અંતરે આવેલ વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદનું નિરાકરણ આવતું હતું પરંતુ હવે તેમણે 25 કિલો મીટર દૂર ઝંખવાવ ગામે ફરિયાદ કરવા જવું પડી રહ્યું છે. ખાસ નાના નાના ગરીબ માણસો ન્યાય માટે ભટકી રહ્યા છે જેથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ આદિવાસી સમાજમાં નાના નાના ઝઘડાઓ થતા હોય છે જેનું નિરાકરણ ગામમા થતું નથી જેથી બંને પક્ષના લોકોએ હવે વાંકલના બદલે હવે ઝંખવાવ જવું પડી રહ્યું છે ત્યારે ભાડા, ભથ્થા અને સમય બગડી રહ્યો છે જેથી નાના માણસો સ્થાનિક આગેવાનોને આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે જેથી સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા લોકહિતમાં લોકોને નજીકમાં ન્યાય મળે તે માટે માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં જોડવામાં આવેલ લવેટ, ભડકુવા, રટોટી, નાની ફળી, ઓગણીસા, સણધરા, નાંદોલા, મોટીફળી સહિતના આઠ ગામો તેમજ વ્યવહારિક રીતે વાંકલ ગામ સાથે જોડાયેલા અને વાંકલ આઉટ પોસ્ટથી ખૂબ જ નજીક આવેલા બોરીયા અને ઝરણી ગામને પણ વાંકલ આઉટ પોસ્ટમાં જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ