ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર હાઇવા ટ્રકથી માંડીને મોટા વાહનોની ઘરેરાટી સાથે ઊડતી ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થઈ ગયા છે. રોડ ઉપરથી ઊડતી ધૂળ લોકોનો ઘરોમાં આવે છે અને શ્વાસમાં જવાથી લોકો બીમાર પડતા હોઈ પાડાના વાંકે પખાલીને ડામ દેવાતો હોય એવો ઘાટ ઘડાતા લોકોમાં રોષ ફેલાયો છે. જોકે સ્થાનિક રહીશોએ જાગૃતિનું ઉદાહરણ દાખવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે જેમાં ઊડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન થતાં ડેડીયાપાડાથી નિવાલદાની વચ્ચે ખાડી પર આવેલા પૂલ ઉપર રહીશોએ ધરણા પ્રદર્શનસાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ અંગે રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર આજુબાજુના ઘરોમાં ધૂળ ઉડતી હોવાથી લોકો ખૂબ જ હેરાન થાય છે અને આજુબાજુના સોસાયટીવાળા પણ ખૂબ જ હેરાન થાય છે જેથી આ રોડ બની જાય તો ધૂળ ઊડતી બંધ થઈ જાય અને આજુબાજુના સોસાયટી તેમજ રસ્તે જતા લોકો દૂરથી પરેશાન ન થાય એના માટે ડેડીયાપાડાથી નિવાદદાની વચ્ચે ખાડી પર આવેલા પુલ ઉપર લોકો શાંતિથી બેસી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે એ જોવું રહ્યું કે પ્રજા વિરોધ સામે તંત્રની આંખ ઉઘડે છે કે નહીં!
દીપક જગતાપ, રાજપીપલા