નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ હાલમાં ચાલી રહેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન મથકો ખાતે ચાલી રહેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કલેકટરે ગરૂડેશ્વર તાલુકાના નવાવાઘપુરા, હીરાપુરા, ઉમરવા જોષી, માથાવડી, મોટા પીપરીયા ઉપરાંત રાજપીપલા શહેરી વિસ્તાર સહિતના મતદાન મથકોની લીધેલી મુલાકાત દરમિયાન બી.એેલ.ઓ. (બુથ લેવલ ઓફિસર) ને યુવા મતદારોની તથા મહિલા મતદારોની મહત્તમ નોંધણી થાય તે મુજબ કામગીરીનું આયોજન કરવા માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. તેની સાથોસાથ વધુમાં વધુ મતદારોના ચૂંટણી કાર્ડનું આધાર કાર્ડ સાથે લીંકઅપ થાય તેના પર પણ તેમણે વિષેશ ભાર મૂક્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તેવતિયાએ તેમની મુલાકાત દરમિયાન બી.એેલ.ઓ. ની સારી કામગરીને બિરદાવવા ઉપરાંત ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યાં હતાં. જિલ્લા ચૂંટણી અધિકારીએ નર્મદા જિલ્લાના પ્રજાજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સૌ નાગરિકો જોડાવવા અને પુખ્તવયના નાગરિકોને પોતાનુ તેમજ સ્વજનનું નામ જો મતદાર યાદીમાં નોંધાવાનું બાકી હોય તો સત્વરે નોંધાવી શકે છે. મતદાર યાદીમાં કોઇ વિગતોનો સુધારો કરવાનો હોય તો તે પણ કરાવી શકે છે અને તેના માટે મતદારો પોતાના બી.એેલ.ઓ. નો મતદાન મથક ખાતે રૂબરૂ સંપર્ક કરી શકશે. માત્ર એટલું જ નહી પણ ભારતીય ચૂંટણી પંચના વિવિધ ઓનલાઇન માધ્યમોદ્વારા ઘરે બેઠા મતદાર તરીકે નોંધણી, સુધારા-વધારા તથા નામ કમી કરાવી શકશે.
દીપક જગતાપ,રાજપીપલા