વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ગઈકાલે પકડાયેલો માસનો જથ્થો ગૌવંશનો હોવાનું ખુલતા આણંદના ત્રણ સપ્લાયર સહિત 8 જણા સામે ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.
નવાયાર્ડ રસુલજીની ચાલી વિસ્તારમાં ખાટકીવાડ નજીક ગાયના માસનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી ગઈકાલે સવારે શહેર પોલીસ કંટ્રોલ રૂમને મળતા પોલીસ કંટ્રોલ રૂમે પીસીબી તેમજ ફતેગંજ પોલીસને જાણ કરી તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. જેને પગલે પોલીસે સામાજિક કાર્યકર નેહા પટેલને સાથે રાખી નવાયાડૅમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે શટરવાળી દુકાનમાં તપાસ કરતા આયશા બેન ઉર્ફે ભૂરી નામની મહિલા પાસે ત્રણ પોટલા મળી આવ્યા જેની તપાસ કરતા તેમાં શંકાસ્પદ ગૌવંશનું 88 કિલો માસ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈશાક કુરેશી અને મજીદ કુરેશી (તમામ રહે નવા યાર્ડ) પાસે પણ ગૌવંશનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે, ટેમ્પો લઈ ડીલીવરી આપવા આવેલો ઐયુબમિયા મલેક (ફતેપુરા,બોરસદ,આણંદ) પણ ઝડપાઈ ગયો હતો.
પોલીસે 265 કિલો માસનો જથ્થો કબજે કર્યો હતો અને આ માસ ગાયનું છે કે કેમ તેની તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી. તેમનો અભિપ્રાય ગૌવંશ હોવાનો અભિપ્રાય આપતા મોડી રાતે ફતેગંજ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધવાની તજવીજ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન નવા યાર્ડના યુસુફ કુરેશીનું નામ ખુલ્યું પરંતુ તે મળી આવ્યો ન હતો જેથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત માંસનો જથ્થો સપ્લાય કરનાર અનવર ઉર્ફે જીપ્સી કુરેશી, જીલાણી ઉર્ફે પંચર કુરેશી અને સિદ્દીક (ત્રણે રહે બોરસદ, આણંદ) ને પણ વોન્ટેડ જાહેર કરી તમામ સામે ગઈ મોડી રાતે ગુનો નોંધ્યો છે.
પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન 264 કિલો ગૌવંશનું માસ, એક ટેમ્પો, 6 નંગ છરા, 4 વજન કાંટા, 4 નંગ માસ કાપવાના લાકડા, 7 નંગ જુદા જુદા વજનિયા અને 2 મોબાઈલ કબજે કર્યા હતા.