ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઇજામાંથી સ્વસ્થ થયા બાદ ધમાકેદાર વાપસી કરી છે. નીરજ ચોપરાએ 89.08 મીટર બેસ્ટ થ્રો સાથે લુસાને ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીતી લીધુ છે. નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ ખિતાબી જીત સાથે જ નીરજે સાત અને આઠ સપ્ટેમ્બરે જ્યૂરિખમાં યોજાનાર ડાયમંડ લીગની ફાઇનલ્સમાં પણ જગ્યા બનાવી લીધી છે.
આટલુ જ નહી તેને હંગરીના બુડાપેસ્ટમાં રમાનાર વિશ્વ ચેમ્પિયનશિપ 2023 માટે પણ ક્વોલિફાઇ કરી લીધુ છે. નીરજ ચોપરાએ પોતાના પ્રથમ પ્રયાસમાં 89.08 મીટર દૂર જેવલિન ફેક્યો હતો જેને ટચ કરવો બીજા ખેલાડીઓ માટે મુશ્કેલ બની ગયો હતો. તે બાદ નીરજ ચોપરાએ પોતાના બીજા પ્રયાસમાં 85.18 મીટર થ્રો કર્યો હતો. ત્રીજો એટેમ્પ તેને સ્કિપ કર્યો હતો, પછી નીરજ ચોપરાનો ચોથો પ્રયાસ ફાઉલ ગણવામાં આવ્યો હતો અને પાંચમા એટેમ્પથી તેને દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.
પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાએ 80.04 મીટરનું નિશાન લગાવ્યુ હતુ. લુસાને ડાયમંડ લીગમાં ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા જૈકબ વાડલેજ્ચ 85.88 મીટરના બેસ્ટ થ્રો સાથે બીજા જ્યારે યૂએસએના કર્ટિસ થૉમ્પસન 83.72 મીટરના બેસ્ટ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.
ડાયમંડ લીગ ફાઇનલમાં પહોચનાર પ્રથમ ભારતીય
89.08 મીટર નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયાસ છે. નીરજના કરિયરના બેસ્ટ થ્રોની વાત કરીએ તો તે 89.94 મીટર છે જે તેને સ્ટૉકહોમ ડાયમંડ લીગમાં બનાવ્યો હતો. પાનીપતના નીરજ ચોપરા ડાયમંડ લીગનો કોઇ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.નીરજ ચોપરા પહેલા ચક્કા ફેક ખેલાડી વિકાસ ગૌંડા ડાયમંડ લીગ મીટના ટોપ ત્રણમાં જગ્યા બનાવનાર એકમાત્ર ભારતીય હતો.
ઇજાને કારણે કૉમનવેલ્થ ગેમ્સમાં ન હતો રમ્યો નીરજ ચોપરા
નીરજ ચોપરાએ ગત મહિને વિશ્વ ચેમ્પિયનશિપમાં 88.13 મીટરના થ્રોથી ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો, તે મુકાબલા દરમિયાન જ નીરજ ચોપરાને ગ્રોઇન ઇન્જરી થઇ હતી. તે બાદ મેડિકલ ટીમે નીરજ ચોપરાને ચાર-પાંચ અઠવાડિયા આરામની સલાહ આપી હતી તે બાદ તેને બર્મિઘહામમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સ 2022થી હટવાનો નિર્ણય કર્યો હતો. નીરજ ચોપરા ઇન્જરીમાંથી બહાર આવવા માટે જર્મનીમાં રિહૈબિલિટેશનમાંથી પસાર થયો હતો તે બાદ ધમાકેદાર કમબેક કર્યુ છે.