ભારતીય ફૂટબોલ પર છવાયેલુ સંકટ સમાપ્ત થઇ ગયુ છે. વિશ્વ ફૂટબોલ સંચાલિત કરનારી સંસ્થા ફીફાએ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF) પર લગાવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. સાથે જ ભારતને ફરી અંડર-17 મહિલા વર્લ્ડકપ 2022 ની યજમાની સોપવામાં આવી છે.
એઆઇએફએફના કાર્યકારી સમિતી દ્વારા દૈનિક કેસ પર પૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ ફીફાએ આ નિર્ણય કર્યો છે. ફીફા અને એશિયન ફૂટબોલ સંઘ (AFC) AIFF માં પરિસ્થિતિની નજર કરવાનું ચાલુ રાખશે અને સમય પર ચૂંટણી કરાવવામાં એઆઇએફએફનું સમર્થન કરશે.
ફીફાએ જાહેર કર્યુ આ નિવેદન
ફીફાએ પોતાના નિવેદનમાં કહ્યુ, ‘પરિષદે 25 ઓગરસ્ટે એઆઇએફએફના સસ્પેન્શનને તુરંત પ્રભાવથી હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે ફીફા અંડર-17 મહિલા વર્લ્ડકપ 11થી 30 ઓક્ટોબર સુધી ભારતમાં જૂની યોજના અનુસાર આયોજિત કરી શકાય છે. એઆઇએફએફના કામકાજને સંચાલિત કરવા માટે નિયુક્ત ત્રણ સભ્યના પ્રશાસકોની સમિતીનું સસ્પેન્શન અને એઆઇએફએફ તંત્ર દ્વારા સંઘના દૈનિક કેસ પર પૂર્ણ નિયંત્રણ મેળવવાની પુષ્ટી થયા બાદ આ વાતનો નિર્ણય થયો છે.
સુપ્રીમ કોર્ટના નવા નિર્ણયથી થયા બદલાવ
સુપ્રીમ કોર્ટે સોમવારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના કામકાજનું સંચાલન કરનારી ત્રણ સભ્યની સમિતી (COA)ને ભંગ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે AIFFના રોજના કામકાજને કાર્યવાહક મહાસચિવ સંભાળશે. સાથે જ કોર્ટે એઆઇએફએફની કાર્યકારી સમિતીની રચનાનો પણ નિર્ણય કર્યો હતો. આ કાર્યકારી સમિતીમાં 23 સભ્ય હશે જેમાં છ ખેલાડી (બે મહિલા ખેલાડી) હશે. આટલુ જ નહી કોર્ટે 28 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીને એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો પણ આદેશ આપ્યો હતો જેથી મતદાન યાદીમાં બદલાવ અને ઉમેદવારીની પ્રક્રિયાની શરૂઆત થઇ શકે.
16 ઓગસ્ટે લગાવ્યો હતો બેન
ફીફાએ ત્રીજી પાર્ટીના હસ્તક્ષેપનો હવાલો આપતા 16 ઓગસ્ટે એઆઇએફએફ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારે ફીફાએ ઓફિશિયલ નિવેદનમાં કહ્યુ હતુ, ‘ફીફા પરિષદના બ્યૂરોએ સર્વસમ્મતિથી ત્રીજા પક્ષના અનુચિત પ્રભાવને કારણે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘને તુરંત પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફીફાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
ફીફા દ્વારા બેન હટાવવામાં આવ્યા બાદ હવે 11-30 ઓક્ટોબર 2022 સુધી રમાનાર FIFA અંડર-17 મહિલા વર્લ્ડકપ 2022 ભારતમાં જ જૂના કાર્યક્રમ અનુસાર આયોજિત કરવામાં આવશે. ભારતીય ફૂટબોલ માટે આ ટૂર્નામેન્ટ મીલનો પથ્થર સાબિત થઇ શકે છે.