મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળીને વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓનું સુખદ અને ત્વરિત નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને અમદાવાદના વિવિધ અરજદારો દ્વારા મુખ્યત્વે અનધિકૃત જમીન દબાણ, પોલીસ ફરયાદ, અને બનાવટી ખેત બિયારણોના વળતર અંગેના કુલ ૮ પ્રશ્નોને મુખ્યમંત્રીની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોને મુખ્યમંત્રી ધ્યાનપૂર્વક સાંભળી જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરવામા આવ્યો હતો. તેમજ મુખ્યમંત્રી દ્વારા અરજદારોને આ પ્રશ્નનો ઝડપી નિકાલ માટેનું આશ્વાશન આપવામાં આવ્યું હતું.
રાજ્ય સ્વાગતના આ કાર્યક્રમમાં ખેડા જિલ્લામાંથી ગેરકાયદેસર જમીન દબાણના કુલ ૨ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેને કલેકટર કે.એલ.બચાણીએ મુખ્યમંત્રીના માર્ગદર્શનના આધારે જિલ્લા રજિસ્ટ્રારની સાથે રૂબરૂ ચર્ચા વિમર્શ કરી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરની કચેરીએ યોજાયેલી બેઠકમાં એસપી ખેડા, રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર વિપુલ પટેલ, ઇન્ચાર્જ ડીડીઓ પી.આર.રાણા, જીલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી પટેલ, અધિક ચિટનીશ આર.જી. ઠેસિયા, ડીવાયએસપી SC/ST સેલ કે.જી. પટેલ,આર.જી. ઠેસિયા, અને પ્રાંત અધિકારી જોડાયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ