નડીયાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા રોજગારવાંચ્છુ મહિલા ઉમેદવારોના લાભાર્થે જિલ્લા રોજગાર કચેરી ખાતે ફક્ત મહિલાઓ માટે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો. રોજગાર મેળાની સાથે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં નોકરીદાતા તરીકે હાજર વોડાફોન ઈન્ડિયા લિ. નડિયાદ તથા લક્ષ્ય કોર્પોરેશન લિ. બરોડા દ્વારા બ્રાન્ચ ડેવલોપમેન્ટ એકઝીકયુટીવની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં અને ૧૦, ૧૨ પાસ તથા સ્નાતક લાયકાત થયેલા મહિલા ઉમેદવારોની જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ મેળામાં નોકરી દાતા તરીકે હાજર ૨ કંપનીની કુલ ૪૧ વેકેન્સી માટે ભરતી મેળામાં કુલ ૪૪ મહિલાઓ હાજર રહી હતી. જેમાં નોકરી માટે ૩૯ બહેનોની પસંદગી કરવામાં આવી હતી. રોજગાર મેળાના પ્રસંગે રોજગાર અધિકારી નિશાંત શુક્લ દ્વારા બહેનોને રોજગાર વિનિમય કચેરીની કામગીરીથી પરિચિત કરવામાં આવ્યા હતા. તેઓએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ઉપલબ્ધ કરિયર કાઉન્સિલિંગ સેવા, મોડેલ કરિયર સેન્ટર હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ તથા anubandham.gujarat.gov.in વેબ પોર્ટલ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર માટે માર્ગદર્શન તથા ભરતી મેળા જેવા કર્યરક્રમો તદ્દન નિશુલ્ક કરવામાં આવતા હોઈ આવી વ્યવસ્થા આપવાના નામે કોઈ આપની સાથે છેતરપિંડી ના કરી જાય તે અંગે જાગૃત રહેવા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત ભરતી મેળામાં ઉપસ્થિત બહેનોને વોટર હેલ્પલાઈન એપ્લીકેશન અંગે માહિતગાર કરી પોતાના EPIC કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા અંગે અપીલ કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ