ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વિજપોલ પર નવી લાઈટો નાખવા અથવા બગડી ગયેલ લાઈટોના રીપેરીંગ અર્થે અનેક લોકો એ જે તે વોર્ડમાંથી ફરિયાદો કરી છે છતાં પાલિકાના લાઈટ શાખાના કર્મીઓનું પેટનું પાણી ન હલતું હોય તેવી બુમો છેલ્લા કેટલાક દિવસથી લોકો વચ્ચેથી ઉઠવા પામી છે.
૧૧ વોર્ડ અને ૪૪ નગર સેવકો સહિત અનેક કર્મચારીઓથી ધમધમતી ભરૂચ નગરપાલિકાની લાઈટ શાખામાં કર્મચારીઓનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં કેટલાય વિસ્તારોમાં આવેલ વીજ પોલ પર લાઈટો ક્યાંક ઉડી ગઇ છે તો ક્યાંક અનેક વિસ્તારોમાં નવા લાઈટ બેસાડવા માટે લોકો એ અનેકોવાર અરજી સ્વરૂપે કમ્પ્લેનો નોંધાવી છે છતાં આજદિન સુધી લાઈટ શાખાના કર્મીઓ દ્વારા જે તે વિસ્તારોમાં ન પહોંચી સમસ્યાઓનું ઉકેલ લાવવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે.
પ્રજાના ટેક્સના પૈસે પ્રજાની પીડા દૂર કરવામાં સ્થાનિક નગર સેવકોથી લઇ કર્મચારીઓ પણ જાડી ચામડીના બની ગયા હોય તેમ લોકોની વચ્ચે હાલ સમસ્યાઓનો ઉકેલ ન આવતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, લાઈટ કમિટીના અધ્યક્ષ તેમજ મુખ્ય અધિકારી એ આ બાબતો ઉપર યોગ્ય ધ્યાન કેન્દ્રીત કરી લોકોની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ કઈ રીતે આવી શકે તે મામલે મંથન કરી કર્મચારીઓને દિશા નિર્દેશ આપવા જોઈએ તેવી આશ લોકો લગાવી બેઠા છે.
ભરૂચ નગરપાલિકાની લાઈટ શાખામાં કમ્પ્લેન કરનાર લોકોનું માનવામાં આવે તો તેઓએ અનેક દિવસો અગાઉ માત્ર તેઓના સોસાયટી અથવા મહોલ્લા વિસ્તારમાં 2 કે 4 થાંભલા પર લાઈટ રીપેરીંગ કરવા અથવા નવી લાઈટો નાંખવા માટે રજુઆત કરી છે પરંતુ નગર પાલિકાના લાઈટ શાખામાં કર્મચારીઓનો અભાવ હોવાનું પાલિકા તરફથી લોકોને જણાવવામાં આવી રહ્યું છે તેવામાં સમસ્યાઓથી પીડિત પ્રજા આખરે જાય તો ક્યાં જાય તેવી સ્થિતિમાં હાલ મુકાયેલી જોવા મળી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744