સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવામાં આવતા નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના નદી કાંઠા વિસ્તારોમાં નર્મદા નદી તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે 15 દિવસમાં બીજી વખત નર્મદા નદીએ તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 28 ફૂટ સુધી વહેતી જોવા મળી હતી. નદીમાં સપાટી વધતા જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશ્યા હતા.
નર્મદાના સતત વધતા જળસ્તરના કારણે જ્યાં અનેકો લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની નોબત આવી તો અનેક લોકો માટે પુરના પાણી આફત સમાન સાબિત થયા છે. અંકલેશ્વર નદી કાંઠાના વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા ખેતીમાં ભારે નુકશાન થઇ છે તો સાથે સાથે નદી કાંઠા વિસ્તારને અડીને આવેલા ખેતરોની જમીનનું પણ મોટા પાયે નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.
નર્મદા નદી એ ભરૂચ ખાતે તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા જ છેલ્લા 15 દિવસમાં 3 વ્યક્તિઓએ પુરના પાણીમાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે,જેમાં પ્રથમ ઘટના ભરૂચના વેજલપુર બહુચરાજી ઓવારા વિસ્તારમાં બની હતી જ્યાં એક યુવક પુરના પાણીમાં ન્હાવા પડતા તેને ખેંચ આવતા તે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું, અન્ય બે ઘટનાઓ ગત 24 કલાકમાં સામે આવી છે.
છેલ્લા 24 કલાકમાં પુરના પાણીમાં ડૂબી જતાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ભરૂચ ના ફુરજા માર્ગ પર ખાડીમાં આવેલ પુરના પાણીમાં તણાઇ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો બીજી તરફ ભરૂચના દાંડીયા બજાર દશાશ્વમેઘ ઘાટ ખાતે પુરના પાણી ઓસરતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ પોલીસે મૃતકની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સાથે તેની ઓળખવીધી હાથધરી છે.
આમ છેલ્લા 15 દિવસમાં પુરના પાણી વચ્ચે રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી નર્મદા નદીએ ભારે તારાજીના દ્રશ્યો સર્જ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે હવે ગુરુવારે 28 ફૂટની ભયજનક સપાટીએ પહોંચેલ નર્મદા નદીના જળ સ્તરમાં ઘટાડો થઇ શુક્રવારે સવારે 25 ફૂટ આસપાસ વહેતી થતા નીચાણવાળા વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે. જોકે નદીના કાંઠામાં હજુ પણ નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર વહી રહી છે ત્યારે ભરુચીઓ નર્મદા ખમૈયા ક્યારે કરશે તેની ચાતક નજરે રાહ જોઈ બેઠા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744