સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં રોજીંદા જીવનમાં ગુણવત્તા-માનકોનું મહત્વ વિષય ઉપર સેમીનાર યોજાયો હતો. જેમાં સ્થાપિત સ્ટાન્ડર્ડ ક્લબ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સુરત શાખાનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૩ અને ૨૪ ઓગસ્ટના રોજ “રોજીંદા જીવનમાં ગુણવત્તા-માનકોનું મહત્વ” વિષય ઉપર સેમીનાર, ક્વીઝ તથા નિબંધ લેખન સ્પર્ધા જેવી વિવિધ જ્ઞાનસભર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિના પ્રથમ દિવસે સ્ટાન્ડર્ડ ક્લબ-ઇનોવેશન ક્લબનાં કોઓર્ડીનેટર ડૉ. અનીલકુમાર સિંઘ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તા-માનકોનાં મહત્વ વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું અને આ સંદર્ભે ક્વીઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના બીજા દિવસે કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રસંગ અનુરૂપ ઉદબોધન કર્યું હતું ત્યારબાદ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સુરત શાખાનાં ડાયરેક્ટર અને હેડ સંજયકુમાર સિંઘનાં માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક ઇશાંત ત્રિવેદી અને સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર નીતિન ડોરિયા ઓએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)ની સમગ્ર કાર્યપદ્ધતિની વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અંગેના તેઓના હક્કો બાબત વિશેષ જાગૃત કર્યા હતા. ગુણવત્તા-માનકોનાં વિષય ઉપર યોજાયેલ નિબંધ સ્પર્ધામાં અત્રેની કોલેજના વિજેતા થયેલ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભાને બિરદાવતા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નાં અધિકારીઓ દ્વારા રોકડ રકમનાં ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. બે દિવસીય આ કાર્યક્રમમાં કોલેજના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ અને સમગ્ર સ્ટાફે ભાગ લઇ મહત્વની જાણકારી મેળવી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેમિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડૉ.ધર્મેશ મહાજન દ્વારા કરાયું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ