ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં અવારનવાર ચોરી તેમજ મારામારીની ઘટનાઓ બનતી નજરે પડે છે. અગાઉ ઝઘડિયા જીઆઇડીસીમાં વિવિધ પોઇન્ટ પર સીસી ટીવી કેમેરાની સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું, ત્યારે સીસી ટીવી કેમેરાનો પણ તસ્કરોને ડર નથી રહ્યો, એવી લાગણી તાલુકાની જનતામાં દેખાઇ રહી છે.
આવી જ એક ચોરીની ઘટનામાં જીઆઇડીસીની હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ્સ નામની કંપનીમાંથી યુઝ થયેલા એસ.એસ.ના ૩ નંગ વાલ્વની ચોરી થવા પામી હતી. આ અંગે ઉપરોક્ત કંપનીમાં નોકરી કરતા જગદીશ શ્રીગોપીસીંગ સીંગ હાલ રહે.કાપોદરા તા.અંકલેશ્વર અને મુળ રહે. હરિયાણાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ આજરોજ તા.૨૪ મીના રોજ જાણ થઇ હતી કે કંપનીમાં ખુલ્લા વર્કશોપમાં મુકેલા વપરાશ થયેલા એસ.એસ.ના ત્રણ નંગ વાલ્વ જ્યાં મુકેલા હતા તે તેની જગ્યાએ જણાયા ન હતા. આ અંગે તપાસ કરતા રુ.૪૫૦૦૦ ની કિંમતના યુઝ થયેલા ત્રણ નંગ વાલ્વ કોઇ ચોરી ગયું હોવાની ખાતરી થઇ હતી.
ચોરીની બીજી ઘટનામાં ઝઘડિયા જીઆઇડીસીની આરતી થ્રી એમ પ્રોજેક્ટ નામની કંપનીમાં હાલ કોન્ટ્રાક્ટથી કામ કરતા કોન્ટ્રાક્ટરના સુપરાઇઝર હરિવદન ઉર્ફે પિન્ટુ પ્રજાપતિએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે કંપનીમાં ચાલતા કામમાં પ્લાસ્ટર ચણતરના કામમાં ઉપયોગમાં લેવાતી લોખંડની જાળી નંગ ૧૬ જેની કુલ કિંમત રુ.૧૨,૮૦૦ જેટલી થાય છે, તેની ગઇકાલે રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી. ઝઘડિયા જીઆઇડીસીની ઉપરોક્ત ચોરીની બન્ને ઘટનાઓ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ