સુરત જિલ્લાના ઉમરપાડા સ્થિત સરકારી આર્ટસ કોલેજ ખાતે કોમર્સ અને સાયન્સ વિભાગનો પ્રારંભ કરાવતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં ૬૫ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી કોલેજ આજે ૧૧૬૭ વિદ્યાર્થીઓના નામાંકન સાથે આજે વિશાળ વટવૃક્ષ બની છે. વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરીને વ્યાવસાયિકો, ઉચ્ચ અધિકારીઓ બની દેશસેવા કરે તેવી આકાંક્ષા તેમણે વ્યક્ત કરી હતી. મંત્રીએ શિક્ષણને સંસ્કૃતિનું પોષક ગણાવી કહ્યું કે, સરસ્વતી હંમેશા દોષ દૂર કરનારી અને મુક્તિ આપનારી હોય છે દરેક વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરી સુસંસ્કૃત સમાજનો ભાગ બની ઉચ્ચ આચાર-વિચાર અપનાવવા જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવું વડાપ્રધાનનું સપનુ પૂર્ણ કરવા અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર હરહમેશ પ્રયત્નશીલ છે. આદિવાસી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ આશ્રમ શાળા, એકલવ્ય મોડેલ શાળાઓ તેમજ સરકારી કોલેજોનું નિર્માણ થયું છે. આદિવાસી વિદ્યાર્થીઓ અધવચ્ચે અભ્યાસ ન છોડે અને ઘરઆંગણે કોલેજ અભ્યાસ કરી શકે તે માટે સરકારે રાજ્યના અનેક વિસ્તારોમાં કોલેજો સ્થાપિત કરીને શિક્ષણને સર્વસુલભ બનાવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા વીસ વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને અભ્યાસ અને ઉચ્ચ કારકિર્દી ઘડવાની અનેક તકો ઉપલબ્ધ થઈ છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે સુવિદ્યાયુકત શાળા-કોલેજો સ્થાપી છે, જેનો બહોળો લાભ લઈ શિક્ષિત અને દીક્ષિત થવા તેમજ દરેક ક્ષેત્રમાં આગેકુચ કરી દેશ-દુનિયામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની ભાવના તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં શિક્ષણ પદ્ધતિમાં ઝડપી સુધારા આવ્યા છે. સરકારની હકારાત્મક શિક્ષણનીતિથી આદિવાસી વિદ્યાર્થીઓ ઘરઆંગણે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. અગાઉ ઉમરપાડાના વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે બારડોલી, માંડવી, સુરત જવું પડતું હતું. મુસાફરીમાં સમય, ઉર્જા અને નાણાનો વ્યય થતો હતો, જેથી વિદ્યાર્થીઓ શિક્ષણમાં સંપુર્ણ સમય આપી શકતા ન હતા. આ સ્થિતિ હવે ભૂતકાળ બની ચૂકી છે.
આ પ્રસંગે વીર નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડા, બિરસા મુંડા યુનિ.-રાજપીપળાના વાઈસ ચાન્સેલર, ડો.મધુકર પાડવી, તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ વસાવા, પ્રાધ્યાપકો, વાલીઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ