હાલના સમયમાં જ્યારે પ્રદુષણ, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનથી ઊભા થઈ રહેલા પ્રશ્નો સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે ‘બાપા ફ્રોમ છાપા’ ની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે.
સોફ્ટ સ્કીલ – મેનેજમેન્ટ ટ્રેઇનર તરીકે વ્યવસાય કરતા હીના જાની છેલ્લા 7 વર્ષથી મુખ્યત્વે કાગળનો ઉપયોગ કરીને પેપર મૂર્તિઓ બનાવે છે. પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ લાઇટ વેઇટ હોવાથી મૂર્તિ-સ્થાપનથી લઈને મૂર્તિ-વિસર્જન સુધી તમામ ક્રિયાઓ સરળતાથી સંભાળી શકાય છે. મૂર્તિની બનાવટમાં મુખ્યત્વે છાપાના કાગળ, દેશી ગુંદર અને ઈકો ફ્રેન્ડલી વૉટર કલર વાપરવામાં આવતા હોવાથી પાણીમાં રહેલા જીવોને નુકસાન થવાનો ભય રહેતો નથી. પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઑફ પેરીસ વિવિધ કેમીકલ્સ કે અન્ય સામગ્રીની તુલનામાં ન્યુઝપેપર પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને જળચર જિવોને પણ ઓછુ નુકસાન કરે છે. હીના જાની ગણેશજીની મૂર્તિ સિવાય ગણેશજીના વિસર્જન માટેના આભૂષણો જેવા કે માળા, મુગટ, કડા વગેરે પણ કાગળમાંથી કે અન્ય ખાધ્ય પદાર્થો જેવા કે અનાજ, મમરા, શાકભાજી વગેરેનો ઉપયોગ કરીને જ બનાવે છે. ઉલ્લેખનીય છે કે બહુ જ ઓછા ખર્ચે અને ઘરે જ તૈયાર કરવામાં આવતી ગણેશજીની મૂર્તિ ખાસ કરીને મહિલા સ્વાવલંબન અને ગૃહ ઉદ્યોગ માટેનું એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે.
નરેશ ગનવાણી : નડિયાદ