ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે તેની સાથે વીજમથકમાંથી રોજનું કરોડોનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. નર્મદા ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૩૪ દિવસમાં કુલ ૧૬૧.૭૬ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે.
વધુમાં ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ ૧૨ મી ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે તા.૨૩ મી ઓગષ્ટની સ્થિતિએ હાલમાં સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ ૧૭ હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૧૨ દિવસમાં આશરે કુલ રૂા.૧૧.૭૬ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.
છેલ્લા ૩૪ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતનુ ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આમ આજદિન સહિત ૩૪ દિવસથી આશરે કુલ રૂા.૧૫૦ કરોડનું વિજ ઉત્પાદન કરાયું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
દીપક જગતાપ, રાજપીપલા