સુરત જિલ્લામાં મોટાપાયે અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગતરાત્રીએ એક જાગૃત નાગરિક દ્વારા સુરતમાંથી અમદાવાદ જતા સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થા સાથે ટ્રક પકડી કોસંબા પોલીસને સુપ્રત કર્યો છે. ઘટનાની જાણ જિલ્લા કલેકટર અને પુરવઠા વિભાગને કરતા તંત્રએ આ જથ્થો ક્યાંથી આવ્યો એ દિશામાં તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે જાગૃત નાગરિક ગૌતમ ડોડીઆ એ સુરતથી ભરૂચ તરફ જતા હાઇવે પર કોસંબા સાવા પાટિયા પાસે એક ટ્રક નંબર જી.જે ૧૨ એ.ટી ૫૨૨૨ ને પકડી તપાસ કરી હતી. જેમાં ૩૯૦ કટ્ટા ચોખાના ભરેલા હતા. આ અંગે ડ્રાઈવરને પૂછતા તેમણે આ ચોખા સુરત જિલ્લાના વાંકલ ગામમાંથી જય જલારામ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી ભર્યો હોવાનું જણાવ્યું હતું. ડ્રાઈવર પાસે રહેલા વજન કાંટા પાવતીમાં પણ તેનો ઉલ્લેખ હતો. જેથી તેના માલિક અજય ચૌધરીનો સંપર્ક કરતા તેમણે અલગ અલગ ખેડૂતો પાસેથી ચોખા લીધા હોવાનું કબૂલ્યું હતું પરંતુ સ્ટોક પત્રક માંગતા તેમણે રૂબરૂ આવીને બતાવવા જણાવ્યું હતું. રૂબરૂ આવ્યા પછી પણ તેઓ કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા.
ટ્રકમાં રહેલો જથ્થો સરકારી બારદાનમાંથી પલટી મારેલો હોય જાગૃત નાગરિકે જિલ્લા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ માંગરોળ પુરવઠા મામલતદારનો સંપર્ક કર્યો છતાં સંપર્ક ન થતાં આ જથ્થાને કોસંબા પોલીસને સુપ્રત કર્યો છે. ઘટનાની જાણ થતાં આજ સવારથી તંત્ર દોડતું થયું છે અને આ જથ્થાને, ટ્રકને સીઝ કરી ચોખાનું સેમ્પ્લિંગ કરાવી અજય ચૌધરી આ સરકારી ચોખા કઈ કઈ જગ્યાએથી લાવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ