આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના ભાગરૂપે હાલમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહેલ છે જે તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી ચાલશે. જે અન્વયે ભારતના ચૂંટણીપંચે ૪(ચાર) રવિવાર તા.૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૨૮/૦૮/૨૦૨ (રવિવાર), તા.૦૫/૦૯/૨૦૨૨ (રવિવાર) અને તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નકકી કરેલ છે.
આ ચાર ખાસ ઝુંબેશના દિવસો પૈકી આજ તા.૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર) ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો (કુલ-૧૭૪૪ મથકો) ઉપર સવારના ૧૦–૦૦ થી સાંજના ૫–૦૦ કલાક સુધી બી.એલ.ઓ. હાજર રહયા અને સમગ્ર દિવસ દરમ્યાન મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે, નામ – સરનામામાં સુધારા – વધારા કરવા માટે, નામ કમી કરવા માટે અને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જિલ્લામાં તમામ મતદાર નોંધણી અને નાયબ કલેકટરઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારઓ / તાલુકા વિકાસ અધિકારીઓ આ પ્રસંગે પોતાના ભાગના મતદાન મથકોની મુલાકાત લઈ જાતે ચકાસણી કરી અને આ કામગીરીને વેગવંતી બનાવી, આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ પણ ૧૧૬-નડીઆદ વિધાનસભા મતદાર વિભાગના સેન્ટ મેરી હાઈસ્કુલ, નડીઆદ ખાતે અને એસ.આર.પી.ગ્રુપ નડીઆદ ખાતેના મતદાન મથકોની મુલાકાત લઈ જાતે ચકાસણી કરી, સદર કામગીરીનું નિરીક્ષણ કર્યું અને આ ખાસ ઝુંબેશના આગામી ત્રણ રવિવારના દિવસોએ પણ વધુમાં વધુ જાહેર જનતા આ કામગીરીમાં સહભાગી બને તે માટે અપીલ કરી,મતદારયાદીને લગતા તમામ અરજી ફોર્મ કલેકટર કચેરી, નડીઆદ તેમજ સંબંધિત પ્રાંત કચેરી, સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે મળી શકશે. તેમજ ખાસ ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર પાસેથી પણ અરજી ફોર્મ મેળવીને, અરજી ફોર્મમાં વિગતો ભરીને જરૂરી પુરાવા સાથે તેમને આપી શકાશે.
નરેશ ગનવાણી : નડિયાદ