અંકલેશ્વર નજીક ને.હા ૪૮ ઉપર અવારનવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, છેલ્લા ઘણા સમયથી હાઇવે વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિને લઇ વાહન ચાલકોને કલાકો સુધી જામમાં ફસાઇ રહેવું પડતુ હોવાની નોબત આવતી હોય છે, ખરોડ ચોકડી નજીકના વિસ્તારમાં નિર્માણ પામતા ઓવર બ્રિજની કામગીરી હાલ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક નિર્માણ પામી રહેલ ઓવર બ્રિજનું કામ છેલ્લા એક મહિનાથી બંધ અથવા મંડ ગતિએ ચાલી રહ્યું છે જેને પગલે આસપાસના રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ત્યાંથી વાહનોની ગતિ ઉપર પણ બ્રેક વાગી રહી છે જે બાદ ખરોડ ચોકડીથી લઈ અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુધીના હાઇવેના વિસ્તારમાં અવારનવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.
સ્થાનિકોનું માનવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કામગીરી બંધ હોવાના કારણે અહીંયા વાહનોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે જેના કારણે ભારે ટ્રાફીક જામની સ્થિતીનું સર્જન થઈ રહ્યું છે, સ્થાનિકોએ તંત્ર પાસે આશાઓ વ્યક્ત કરી છે કે તંત્ર વહેલી તકે આ કામગીરીને સમાપ્ત કરે જેથી કરી હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા અને વિસ્તારમાં સર્જાતા અકસ્માતના બનાવોમાંથી લોકોને મુક્તિ મળી શકે તેમ છે.
હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744