સુરત જિલ્લાના મહુવા પોલીસની ટીમે ધોળીકુઇ ગામ નજીક એક શંકાસ્પદ પીકઅપનો પીછો કરતાં ચાલક પીકઅપ રોડની સાઇડે ઉતારી ખેતરાડીમાં નાસી છૂટ્યો હતો. પીકઅપમાંથી પોલીસને આઠ જેટલા વાછરડા ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા. પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા અને સાચવણી અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહુવા પોલીસની ટીમ ગુરુવારના રોજ દેદવાસણ ગામે માદા ફળિયામાં વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે ઝાડી ફળિયા તરફથી એક પીકઅપ પુરઝડપે આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે વાહન ઊભું રાખવાની જગ્યાએ પૂરઝડપે હંકારી મુકતા પોલીસે તેનો પીછો કર્યો હતો. ધોળીકૂઈ ગામ નજીક પીકઅપ ચાલકે પીકઅપ રોડની સાઇડે ઉતારી દઈ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે પીકઅપમાં તપાસ કરતાં અંદર આઠ જેટલા નાના મોટા વાછરડા ભરેલા હતા. પાણી કે ઘાસચારાની કોઈ સગવડ ન હતી. પોલીસે પાંચ લાખની કિંમતનો પીકઅપ અને 12 હજારની કિંમતના 8 વાછરડા મળી કુલ 5 લાખ 12 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.