ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાવપુરાથી સુથારપુરાને જોડતા માર્ગ પર ખાડીના નાળા પર પાણી ફરી વળતા થોડાક સમય માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. હાલમાં ચાલુ ચોમાસા દરમિયાન ઠેરઠેર ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુશળધાર વરસાદને લઇને ઝઘડિયા તાલુકાના નદી નાળા પણ છલકાયા છે. તાલુકામાં આવેલી નાની ખાડીઓમાં પાણીનો પ્રવાહ વધી જતા કેટલાક ગામોને જોડતા માર્ગો થોડોક સમય બંધ રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તાલુકાના સુથારપુરા નજીકથી વહેતી ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા ખાડી ઉપર બનાવેલા પુલ પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું. પુલ પર પાણી ફરી વળતા ભાવપુરાથી સુથારપુરાને જોડતા માર્ગ પરનો વાહન વ્યવહાર થોડાક સમય માટે બંધ થયો હતો. વેલૂગામ પંથકમાંથી રાજપારડી તરફ જવા માટે આ માર્ગ અગત્યનો હોવાથી ખાડીમાં આવેલ પુરના કારણે લોકો અટવાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ