ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં મોટો વધારો થયો છે. મળતી વિગતો મુજબ ડેમની જળ સપાટી ૧૩૫ મીટર વટાવી જતા ડેમના દરવાજા ખોલી દેવાયા છે. ડેમમાંથી નર્મદામાં છોડાતા લાખો ક્યુસેક પાણીને લઇને નર્મદા નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઇ છે. તેને પગલે તંત્ર દ્વારા પુરના પાણી કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોમાં ઘુસી જવાની સંભાવનાને લઇને આવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો પણ પુરની અસર હેઠળ આવી શકે તેવી સંભાવનાને લઇને તકેદારી રૂપે તાલુકાના ૧૨ જેટલા ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ વઢવાણા,લિમોદરા, ભાલોદ, વેલુગામ, જુનાપોરા, ઇન્દોર, મોટાવાસણા, જુનીજરસાડ, નાનાવાસણા, જુનીતરસાલી, જુનાટોઠીદરા અને ઓરપટાર ગામોને સચેત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ ગામોના સરપંચો, તલાટીઓ તેમજ જેતે પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કાંઠા વિસ્તારના આ ગામોએ સંભવિત પુરની સ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્ત નાગરીકો તેમજ પશુઓને જરુર પડ્યે સલામત સ્થળે લઇ જવા પણ તંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે. મળતી વિગતો અનુસાર પુર અસરગ્રસ્ત નાગરીકો અને પશુઓને સલામત સ્થળોએ વિવિધ શાળાઓમાં રાહત છાવણીઓ ઉભી કરીને આશરો અપાશે એમવધુમાં જાણાવાયું છે. ઉલ્લેખનીય છેકે આગલા વર્ષો દરમિયાન પણ નર્મદાના પુરના પાણી કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોમાં પેસી ગયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ