સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ શહેરમાં બુધવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઇના વડપણ હેઠળ સવારે નગરપાલિકા ખાતેથી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં મુખ્ય દંડક પંકજ દેસાઇ, કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સિલર, સંગઠનના પદાધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ યાત્રા નગરપાલિકાથી સ્ટેશન રોડ, સંતરામ રોડ થઇને સરદાર પટેલના સાહેબના જન્મસ્થાને પહોંચીને સૌએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ યાત્રાને જોતાં સમગ્ર શહેર આજે રાષ્ટ્રભકિતમાં તરબતર બની ગયું હતું. આ યાત્રાએ હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર દિમાગ તિરંગાની ઉક્તિને ચરિતાર્થ કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને રાષ્ટ્રભાવના એ જીવનશૈલી છે તે આજે નડિયાદના નગરજનોએ સાબિત કરી દીધું છે.
નરેશ ગનવાણી : નડિયાદ