રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા જેલમાં કેદીભાઈઓને, જેલનો સ્ટાફ તથા અધિકારીઓને સંસ્થાની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રાખડી બાંધતા સમયે બહેનોની આંખોમાંથી ખુશીના અશ્રુ છલકી પડતા હતા.
જિલ્લા જેલ ભરૂચમાં ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. બહેનોએ વિધિવત રીતે કેદી ભાઈઓ, જેલનો સ્ટાફ તથા અધિકારીઓને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા કેદીભાઈઓ વ્યસન મુક્ત જીવન જીવે, નારીનું સન્માન કરે, ગુનાહિત કાર્યોને છોડી સમાજને ઉપયોગી કાર્યો કરે અને ઉત્કૃષ્ટ જીવન જીવે તેવી પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
જેલ સત્તાધીશોએ રક્ષાબંધનના તહેવારે બહેનોને અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ અગાઉથી કરી લીધી હતી. મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આવતા હોવાના કારણે જેલ સત્તાધીશોએ ખુબ સુંદર આયોજન કર્યું હતું.