ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓની પક્ષ બદલવાની રાજનીતિ પણ વધી રહી છે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં અને તેમાંથી ત્રીજા પક્ષમાં જતા નેતાને સામાન્ય લોકોના પ્રશ્નો કરતા અગંત રાજનીતિમાં જ રસ છે. રાજકીય નેતાને ખ્યાલ રહે છે કે એક વખત ટિકિટ મળી જશે એટલે પગાર, ભથ્થા, ગ્રાન્ટ, પેન્શન જેવા લાભો મળવા લાગે છે.
નેતાઓ પોતાના સ્વાર્થ માટે સમાજને અને પોતાની જ્ઞાતિને પણ ગુમરાહ કરે છે અને પોતાની રાજકીય ઈચ્છા શક્તિ માટે જ રાજનીતિ કરે છે. રાજકારણમાં એક કહેવત છે કે નેતાઓ કોઈના થયા નથી અને કોઈના થશે પણ નહીં. દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજકારણમાં પક્ષ પલટાની રાજનીતિ વિરુદ્ધ કોઈ પણ પક્ષના નેતાઓ બોલવા તૈયાર નથી કે પક્ષ પલટા કરતા રાજકારણીઓ પર પ્રતિબંધ પણ લાગવાનું સૂચન પર કરતા નથી.
વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓ ભોંયરામાંથી બહાર આવે છે અને સમાજના કાર્યની અચાનક ચિંતા થવા લાગે છે. પાંચ પાંચ વર્ષ સુધી જે નેતાના દર્શન પણ ના થયા હોય તે નેતા ઘરે આવીને તમને પગે લાગીને મત માંગે છે અને એકવાર નેતા વિજેતા બને છે તે પછી સામાન્ય માણસોના પ્રશ્નોના ઉકેલ કરવા તેને રસ રહેતો નથી.
ગુજરાતના રાજકારણમાં આગાઉ પણ ઘણા નેતાઓએ પક્ષ પલટા કર્યા છે અને હજુ પણ પક્ષ પલટાની રાજનીતિ શરૂ છે. પક્ષ પલટાની રાજનીતિ કરવાવાળા નેતાઓ દેશની પ્રગતિમાં અવરોધ કરે છે. તે નેતાઓને લોકોના પ્રશ્નો કરતા વધારે પોતાને ટિકિટ મળશે કે નહીં તેની ચિંતા વધુ હોય છે. ટિકિટ મેળવવા માટે એડી ચોંટીનું જોર લગાવી દે છે. પ્રજાએ સમજીને મત આપવા જોઈએ અને યોગ્ય ઉમેદવારને પસંદ કરીને મતદાન કરવું જોઈએ જેથી યોગ્ય રાષ્ટ્રનું નિર્માણ થાય.