ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જાણે કે કેટલાય ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આફત સમાન બનતો હોય છે, ક્યાંક કાચા રસ્તેથી પસાર થવું મુશ્કેલી સમાન બને છે તો ક્યાંક બે ગામડાઓ વચ્ચેથી પસાર થતી નદીઓમાં પાણી ભરાવાથી પુલના અભાવે ગ્રામજનોએ જોખમી રીતે રસ્તાઓ ઓળંગવાની નોબત આવતી હોય છે. રાજપારડી, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા પંથકમાં આ સમસ્યાઓ વર્ષો જૂની બની છે, છતાં આજદિન સુધી તંત્રએ ધ્યાન ન આપતા પ્રજાએ વેઠવાનો વારો આવ્યો છે.
ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વાલિયા અને રાજપારડી નજીકની ખાડીઓ અને નદીનાં નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ જીવના જોખમે એક સ્થળેથી બીજે સ્થળે જવા મજબુર બનવું પડ્યું હતું. વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક પણ નદી ઉપર પુલ ન હોવાના કારણે આ ગામના લોકોને હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ ગામમાં મોત થાય તો નનામી પણ પાણીમાંથી લઇ નીકળવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે,સ્મશાન સુધી જવા માટેનો એક જ માર્ગ હોય લોકો હાલ લાચારીમાં જળના પ્રવાહ વચ્ચેથી પસાર થઇ રહ્યા છે.
મહત્વની બાબત છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, વિધાનસભા સુધી આ વિસ્તારના લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી જે તે નેતાઓને સત્તા સ્થાન સુધી પહોંચાડે છે, ત્યારે આ નેતાઓને પ્રજાએ અત્યાર સુધી રજુઆત કરી હોય તો કામ કેમ નથી થઇ રહ્યું તે બાબત પણ અહીંયા ચર્ચાનું કેન્દ્ર બની છે, સ્થાનિક ગ્રામજનોનું માનવામાં આવે તો વર્ષોથી આ ગ્રામ્ય વિસ્તારો ચોમાસા દરમિયાન આ જ સ્થિતિ સર્જાતી હોય છે. અનેકવાર રજુઆતો કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી જેથી કરી ગ્રામજનો હાલ પણ મજબુર બની જોખમ કેડીને પણ રસ્તો પસાર કરી રહ્યા છે॰ ત્યારે આશા રાખીએ કે ગ્રામજનોની આ તકલીફને લાગતું વળગતું તંત્ર વહેલી તકે ધ્યાન ઉપર લઇ તેઓની સમસ્યાઓનો અંત લાવશે તેવી આશા જાગૃત નાગરિકો સેવીને બેઠા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744