નડિયાદમાં આવેલા વોર્ડ નંબર 4 વિસ્તારમાં એસટી નગર વિસ્તાર એસઆરપી કેમ્પની પાછળ આવેલા પરી રોહાઉસ સોસાયટીમાં પાક્કો રોડ અને સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં અહીંયા પારવાર ગંદકી થતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન મળતા આજે અહીંયાન રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે.
નડિયાદમાં કપડવેજ રોડ પર આવેલા એસટી નગર વિસ્તારની પરી રોહાઉસ સોસાયટીના રહીશો એ બુધવારે પાલિકા કચેરીએ સત્તાધિશો સમક્ષ લેખિત
રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, અહીંયા રહેતા રહીશોને સોસાયટીના નાકેથી અંદર તરફનો પાક્કો રોડ નથી. આ સોસાયટી બને 5 વર્ષ થયા છે અને અમે અગાઉ પણ મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ આમ છતાં પણ કોઈ રોડની વ્યવસ્થા કરાઈ નથી. તેમજ ચોમાસામાં અહીંયા ભારે કાદવ કિચ્ચડ થાય છે જેના કારણે રહીશોને ચાલીને ઘર જવા ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટો પણ ના હોવાને કારણે અહીંયા રાત્રે પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.
ચોમાસાની ઋતુમાં પારવાર ગંદકી રહેતા અહીયા રોગચાળો વકરે તેવી દહેશત સેવાઇ રહી છે. સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થતાં અહીંયાના સ્થાનિકોએ જાગૃત થઈ સોસાયટીમાં વહેલીતકે આરસીસી રોડ બનાવવા માટે તેમજ એક કચરા પેટી ફાળવી આપવા અને સ્ટ્રીટ લાઈટો માટે રજૂઆત કરી છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.
નરેશ ગનવાણી : નડિયાદ