અંકલેશ્વર શહેરનો કાચા કામનો આરોપી ભરૂચની સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી દોઢ વર્ષથી ફરાર થઈ ગયો હતો. આ આરોપીને ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કોડની ટીમે અંકલેશ્વર સ્ટેશન પરથી ઝડપી પાડીને અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોંપ્યો છે.
ભરૂચના એસપી ડો.લીના પાટિલે જિલ્લામાં નાસતા ફરતા આરોપી વચગાળના જામીન પરથી ફરાર કેદીને ઝડપી પાડવા આદેશ આપ્યા હતા. જેના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચના પીએસઆઇ ડી.આર. વસાવા અને તેમની ટીમના જવાનો પેટ્રોલીંગમાં હતાં. તે સમયે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા માહિતી મળી હતી કે, અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇ.પી.કો. કલમ 379 મુજબના ગુનાનો કાચા કામનો આરોપી વિજય રમેશભાઇ ગામીત ભરૂચ સબ જેલમાં સજા ભોગવતો હતો. જે વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયો હતો. આ આરોપીએ ગુનામાં પકડાતા જેતે વખતે પોલીસને ખોટુ નામ લખાવ્યું હતું.
આ અંગે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ વોચમાં હતી. ત્યારે માહિતીના આધારે આરોપી પુનાથી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર આવતા તેને ફોટાના આધારે પકડી પાડીને તેની પાસેથી આધાર પુરાવા અંગેનું ચુંટણી કાર્ડ મળતા તેનું સાચું નામ વિજય S /O રાધેશ્યામભાઇ લાલજીભાઇ દુબે રહે.મ.નં.223, બડીપાડા ડોંગરીલા ફળીયું,ખાંડબારા, તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળ્યું હતું. ફર્લો સ્કોડની ટીમે આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં સોંપ્યો છે.